(સંવાદદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૭
યસ બેંકના થાપણદારો સહિતના ખાતેદારો વગેરેમાં ચિંતાની સાથે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો બેંક તથા એટીએમ ખાતે લાઈનો લગાવી પોતાના નાણાં મેળવવા હાડમારી વેઠી રહ્યા છે, ત્યારે રાજ્યના ના. મુખ્યમંત્રી નીતિન પટેલે યસ બેંક મુદ્દે લોકોને આશ્વાસન આપતા જણાવ્યું છે કે, યસ બેંકના ખાતેદારો વગેરેએ ચિંતા કરવાની જરૂર નથી. બેંક પર નિયંત્રણ રાખવામાં આવી રહ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની યસ બેંક અંગેની જાહેરાત બાદ લોકોની ચિંતામાં વધારો થયો છે, ત્યારે હવે યસ બેંકની સ્થિતિ પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આશ્વાસન આપતા કહ્યું કે, આરબીઆઈ દ્વારા યસ બેંક પર નિયંત્રણ રાખવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં કોઈ મોટી બેંક યસ બેંક સાથે મર્જ થાય તો સમસ્યાનો અંત આવી જશે. આ સાથે જ નીતિન પટેલે જણાવ્યું કે, યસ બેંકના ખાતેદારોએ ચિંતા કરવાની જરૂર નથી. ભારત સરકાર અને રિઝર્વ બેંક યોગ્ય નિરાકરણ લાવશે. હાલમાં ૫૦ હજારની લિમિટ રાખવામાં આવી છે. લોકોના નાણાં પરત કરવામાં આવશે. ત્યારબાદ નીતિન પટેલે કહ્યું કે, ગુજરાત સરકારનું યસ બેંકમાં કોઈ પણ રોકાણ નથી. જો કે, રાજકોટ મહાનગરપાલિકાની ૧૬૦ કરોડની ગ્રાન્ટ યસ બેંકમાં છે. આ મામલે મનપાના કમિશનર દ્વારા ભારત સરકાર અને આરબીઆઈને પત્ર લખવામાં આવ્યો છે. આ સાથે મનપાના રૂપિયા કામ લાગે તે માટે જલ્દી પરત કરવાની રજૂઆત પણ કરવામાં આવી છે.