(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૬
આરબીઆઈએ યસ બેંકનું બોર્ડ સસ્પેન્ડ કરી દીધું હોવાના મેસેજ સોશિયલ મીડિયા પર મોડી સાંજથી ફરતા થતાં ખાતેદારોની ચિંતા વધી છે. મેસેજ પ્રમાણે તા.૫ માર્ચથી ૩ એપ્રિલ સુધી ખાતેદારો રૂા.૫૦ હજાર જ ઉપાડી શકશે. જેને પગલે ખાતેદારો શહેરના યસ બેંકની સાથો-સાથ અન્ય બેંકોના એટીએમોમાં પણ દોડતા થયા છે. હાલ વલસાડ-સુરતમાં યસ બેંકની બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ક્રેડિટ-ડેબિટ કાર્ડ બ્લોક થઈ જવાના કારણે યસ બેંકની સાથે અન્ય બેંકોના એટીએમમાંથી પણ રૂપિયા ઉપડી શક્યા નથી. સાથો-સાથ નેટ બેંકિંગ માટેની મોબાઈલ એપ્લિકેશન પણ બ્લોક થઈ જતાં ખાતેદારો ચિંતા વધી છે. ૩,૦૦૦ કરોડનું ટર્નઓવર દક્ષિણ ગુજરાતમાં હોવાની સાથે આ બેંકની કુલ ૧૮ શાખાઓ છે. જેમાં ૪ લાખથી વધુ કસ્ટમર હોવાનું આંતરિક સૂત્રોએ ફોડ પાડ્‌યો છે. આ અંગે શહેરની યસ બેંક બ્રાંચના એક ડેપ્યુટી અધિકારી સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું છે કે, ચેક મારફતે રોકડ રકમ ખાતેદારો આરબીઆઈ દ્વારા અપાયેલી મર્યાદા પ્રમાણે ઉપાડી શકશે. વધુ ગાઈડલાઈન બેંકો કાર્યરત થાય તે પછી જ જાણી શકાશે. ખાતેદાર કેયુર પટેલે જણાવ્યું હતું કે, આવી રીતે અચાનક ફરમાન જાહેર કરી દેવાય, તો સામાન્ય માણસને કેટલી તકલીફ થાય, તે આ લોકો વિચારતાં નથી. ઈએમઆઈ હોય, અન્ય ખર્ચને પહોંચી વળવાનું હોય, આવી સ્થિતિમાં કઈ રીતે નિરાકરણ આવશે. સુરત શહેરમાં અડાજણ ગેલેક્સી સર્કલ, સિટીલાઇટ, ઓબેરોન બિલ્ડીંગ, કતારગામ સાર કોર્પોરેટ હાઉસ, પાંડેસરા- બમરોલી રોડની બ્લુ સ્કી કોમર્સ સ્કવેર, રિંગરોડની ઓરબીટ ટાવર, રિંગરોડની મંગલદીપ કોમ્પ્લેક્ષ, રિંગરોડની ટેક્ષ્ટાઇલ ટાવર, કમેલા દરવાજાના અંબાજી માર્કેટ, ઉધના દરવાજાની રીવા હાઉસ, વરાછા હીરાબાગ મંગલદીપ કોમ્પ્લેક્ષ અને વેસુ શુભ યુનિવર્સલમાં આવેલી યશ બેંકની શાખાઓ પર લેણદારોની લાઇનો જોતા પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.