(એજન્સી) નવી દિલ્હી, તા. ૩
સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકારના હાઈ કમિશનરની ઓફિસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં નાગરિકતા સંશોધન કાયદા (સીએએ)માં હસ્તક્ષેપ કરવા માટે અરજી દાખલ કરવામાં આવી છે. આ બાબતે જીનીવા સ્થિત ભારતના સ્થાયી મિશનને જાણ કરવામાં આવી હોવાનું વિદેશ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકારોના હાઇ કમિશનર મિશેલ બેશ્લેટ જેરિયા દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે. હાઇ કમિશનરે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના ઠરાવ મુજબ સ્થાપિત જરૂરી રજૂઆત કરવા અને બધા માનવ અધિકારોનું રક્ષણ અને પ્રમોટ કરવાના તેમના આદેશને ટાંકીને આ કેસમાં એમીકસ ક્યુરી (ત્રાહિત પક્ષ) તરીકે હસ્તક્ષેપ કરવાની માગણી કરી છે. એક અરજીમાં હાઇ કમિશનરે જણાવ્યું કે ચોક્કસ સમુદાયો માટે ઉત્પીડનનું જોખમ ઘટાડતી વખતે સીએએ અન્ય સમુદાયોને અસમાનરીતે આવા ભય કે જોખમમાં મૂકે છે.
વિદેશ મંત્રાલયે આ મામલે સ્પષ્ટતા કરી કે સીએએ ભારતની આંતરિક બાબત છે અને દેશમાં કાયદો ઘડવો તે ભારતની સંસદનો મૂળભૂત અધિકાર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે, ‘જીનીવા સ્થિત અમારા સ્થાયી મિશનને ગઈકાલે જાણ કરાઈ હતી કે યુએસ હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્‌સ (મિશેલ બેશ્લેટ)ની ઓફિસ દ્વારા નાગરિકતા સંશોધન કાયદા ૨૦૧૯ના મુદ્દે દખલ કરવા દેશની સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.’
આ મુદ્દે અમારું કડકપણે માનવું છે કે ભારતના સાર્વભૌમત્વના મામલે કોઈ વિદેશી પક્ષ કોર્ટમાં અરજી કરી શકે નહીં. સીએએ મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ છે અને વાજબી પણ છે. આ કાયદો ભારતના બંધારણની તમામ જરૂરિયાત મુજબ ઘડાયો છે તેમ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું. ભારતમાં માનવ અધિકારોની દૃષ્ટિએ આની લાંબા સમયથી જરૂરિયાત હતી. દેશના ભાગલા વખતથી જ આ મુદ્દો ઉપસ્થિત થયો હતો.
ભારત એક લોકશાહી દેશ છે અને કાયદા શાસિત દેશ છે. આપણને આપણા સ્વતંત્ર ન્યાયતંત્ર પર સર્વોચ્ચ વિશ્વાસ હોવો જોઈએ. અમને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ અમારી કાયદાકીય રીતે યોગ્ય સ્થિતિને યોગ્ય ઠેરવશે.