(એજન્સી) ન્યૂયોર્ક, તા.૧૬
આ વર્ષે યૂએસ ઓપન પર કોરોના વાયરસનું સંકટ છવાયેલું છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન રાફેલ નડાલ અને સર્બિયાના નોવાક જોકોવિચ સહિત ઘણા મોટા ખેલાડી ગ્રાન્ડસ્લેમ ન રમવા પર વિચાર કરી રહ્યાં છે. તેવામાં આ ટૂર્નામેન્ટનું આયોજન દર્શકો વગર કરવામાં આવી શકે છે. ન્યૂયોર્કમાં આ વર્ષે યૂએસ ઓપન ૨૪ ઓગસ્ટથી ૧૩ સપ્ટેમ્બર વચ્ચે રમાવાનું છે. ફોર્બ્સના સ્પોર્ટસ રિપોર્ટ પ્રમાણે યૂનાઇટેડ સ્ટેટ્‌સ ટેનિસ એસોસિએશન (યૂએસટીએ) ગ્રાન્ડ સ્લેમને ખાલી સ્ટેડિયમમાં કરાવવા પર વિચાર કરી રહ્યું છે. પાછલા વર્ષે યૂએસ ઓપનને જોવા માટે આશરે ૭.૪૦ લાખ ફેન્સ પહોંચ્યા હતા. ફોર્બ્સે સૂત્રોના હવાલાથી લખ્યુ કે, પુરૂષોનું એસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેશનલ્સ (એટીપીઞ) અને વુમન્સ ટેનિસ એસોસિએશન (ડબ્લ્યૂટીએ) વચ્ચે જલદી બેઠક થશે. તેમાં યૂએસ ઓપનનો નિર્ણય કરવામાં આવશે. હાલ યૂએસટીએ લોકલ અને સ્ટેટ્‌સ વહીવટી તંત્રના આદેશની રાહ જોઈ રહ્યું છે.