(એજન્સી)

તિરુવનંતપુરમ,તા.૨૬

કેરળ હાઇકોર્ટે રાજ્ય સરકારની હાઇકોર્ટના સિંગલ બેંચના આદેશને પડકારતી અરજી રદ્દ કરી. સિંગલ  બેન્ચે યુથ કોંગ્રેસના બે કાર્યકરોની ગયા વર્ષે કાસરગોડમાં કરાયેલ હત્યાની તપાસ સી.બી.આઈ.ને સોંપવા આદેશ કર્યો હતો.

હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે જોકે રાજ્યના ક્રાઈમ બ્રાંચની વચગાળાની તપાસ રિપોર્ટ સ્વીકાર્યો હતો. જેમણે કેસની પ્રથમ તપાસ કરી હતી અને પછી વધુ તપાસ સી.બી.આઈ.ને સોંપી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં હાઇકોર્ટે તપાસમાં ગંભીર ક્ષતિઓ જોઈ હતી અને એ પછી ક્રાઈમ બ્રાંચની ચાર્જશીટ રદ્દ કરી તપાસ સી.બી.આઈ.ને સોંપવા આદેશ કર્યો હતો. હાઇકોર્ટની સિંગલ બેન્ચે યુથ કોંગ્રેસના પીડિત યુવકોના કુટુંબીજનોની અરજી માન્ય રાખી તપાસ સી.બી.આઈ.ને સોંપી હતી. યુવા કાર્યકરો સારથ લાલ અને ક્રીપેશની હત્યા ૧૭મી ફેબ્રુઆરી ૨૦૧૯માં કાસરગોડમાં સી.પી.એમ.ના કાર્યકરોએ કરી હોવાના આક્ષેપો મુકાયેલ હતા.

સરકારે હાઇકોર્ટની સિંગલ બેંચના ચુકાદા સામે કરાયેલ અપીલમાં કહ્યું હતું કે બેન્ચે ફક્ત અનુમાનોના આધારે તપાસ સી.બી.આઈ.ને સોંપી હતી. એમણે સમગ્ર કેસ ફાઈલ અને તપાસની રિપોર્ટ ધ્યાનમાં લીધી ન હતી.

સી.બી.આઈ.એ કોર્ટના આદેશ મુજબ ૨૩મી ઓક્ટોબર ૨૦૧૯ના રોજ નવેસરથી કેસ નોંધ્યો હતો. એમણે રાજ્યની પોલીસ ઉપર સહયોગ નહિ આપવાના આક્ષેપો કોર્ટમાં મૂક્યા હતા.