(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા.ર૪
આગામી ૧ જાન્યુઆરીથી રાજ્યના ટોલનાકા ઉપર ફાસ્ટ ટેગ ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચ જિલ્લામાં ને.હા.૪૮ પર મુલદ ટોલનાકા પર સ્થાનિક વાહનોને પણ ફાસ્ટ ટેગ મારફતે ટોલ ચુકવણી કરવી પડશે. તેવા નિર્ણય સામે હવે યુથ કોંગ્રેસ આક્રમક બન્યું છે, યુવા કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણએ સોશિયલ મીડિયાના માધ્યમ થકી તંત્રને ચીમકી ઉચ્ચારી હતી કે, જો ભરૂચની જનતા પાસેથી ટોલ ઉઘરાવવામાં આવશે. યુથ કોંગ્રેસ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને કાર્યકરો કે આંદોલન કર્તાઓને કંઈક પણ થયું તો તેની જવાબદારી તંત્ર અને પોલીસની રહેશે તેમ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ કોંગ્રેસ દ્વારા ટોલટેક્સ ઉપર આંદોલન કરવામાં આવ્યું હતું, જે બાદ સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ મળી હતી, પરંતુ હવે ફાસ્ટ ટેગના કડક અમલ બાદ ફરી એકવાર સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ માટે યુવા કોંગ્રેસના શેરખાન પઠાણે ૧ જાન્યુઆરી પહેલાં સ્થાનિકો, ટ્રાન્સપોટરો અને કાર્યકારોને સાથે રાખી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારતા ફરીવાર ટોલનો મુદ્દો ગરમાયો છે. સાથે જ યુવા કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણે વધુ એક મુદ્દે આક્રમકતા દર્શાવી હતી. જેમાં ઉમલ્લાથી પાણેથાને જોડતા માર્ગ બિસ્માર બનતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે સાથે જ ઇન્દોર, વેલુગામ અને પાણેથાના સ્થાનિક ખેડૂતો રેતીની ટ્રકો થકી તેમજ બિસ્માર રસ્તા મુદ્દે ખૂબ જ તકલીફો પડી રહી છે. સાથે ગામમાં બસો સહિત ઇમર્જન્સી વાહનો પણ પ્રવેશતા નથી. જેથી આ ગામના લોકોનો ખૂબ જ સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે. જો આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં આ રસ્તા મુદ્દે પણ આંદોલન કરવાની ચીમકી તેઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.