મોદીએ ‘સબ કા સાથ સબ કા વિકાસ’નું સૂત્ર આપ્યું છે ત્યારે યુનાની ઉપચાર પદ્ધતિને અન્ય ચિકિત્સા ક્ષેત્રની જેમ વિકાસની સમાન તક નહીં અપાતી હોવાની તિબ્બિ કોંગ્રેસની ફરિયાદ
(એજન્સી) નવી દિલ્હી, તા.૧પ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સબ કા સાથ સબ કા વિકાસ’ના સૂત્રને યાદ અપાવતાં યુનાની દવાઓની પ્રેક્ટિસ કરતાં અને વિદ્વાનોના બિનસરકારી અખિલ ભારતીય, ઓલ ઈન્ડિયા યુનાની તિબ્બિ કોંગ્રેસ (એઆઈયુટીસી)એ અનુરોધ કર્યો હતો કે, યુનાની મેડિસિનને પણ આયુર્વેદની જેમ જોવામાં આવે. યુનાની સંગઠને જણાવ્યું હતું કે, યુનાની દવા માટે એક પણ મેડિકલ અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી અથવા માન્યતા આપવામાં આવી નથી. કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના (સીજીએચએસ) હેઠળ યુનાની ક્ષેત્રને કોઈ લાભ આપવામાં આવ્યો નથી. જ્યારે આ યોજના હેઠળ આયુર્વેદ અને હોમિયોપેથીને ઘણા પદો આપવામાં આવ્યા છે. સંગઠન દ્વારા એ વાત પર ભાર આપવામાં આવ્યો હતો કે, યુનાની અને સિદ્ધા આયુષ પદ્ધતિનો ભાગ છે પણ તેમને વિકાસની અને પ્રેક્ટિસ કરવાની સમાન તક આપવામાં આવતી નથી. યુનાની ચિકિત્સા પદ્ધતિ માત્ર ભારત જ નહીં પણ અમેરિકા અને યુરોપ તેમજ મિડલ ઈસ્ટ સહિત વિશ્વના ઘણા ભાગોમાં પ્રચલિત છે. નરેન્દ્ર મોદીને પત્ર પાઠવતાં તિબ્બિ કોંગ્રેસના પ્રમુખ પ્રોફેસર મુશ્તાક અહેમદે યુનાની ઉપચારના ફાયદાની લાંબી યાદીથી વડાપ્રધાનને વાકેફ કર્યા હતા તેમજ આ ક્ષેત્રની તકલીફોથી પણ મોદીને માહિતગાર કર્યા હતા. તેમણે મોદીને અનુરોધ કર્યો હતો કે, તેમની માંગોને પ્રાથમિકતા આપી તેનો ઉકેલ લાવવામાં આવે. ડૉક્ટર મુશ્તાકે પત્રમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે તાજેતરમાં આયુર્વેદમાં પ્રેક્ટિસ કરનારાઓને એલોપેથીની કેટલીક સર્જરીઓ માટે અને આયુર્વેદમાં મેડિકલ અધિકારીઓના પદોને મંજૂરી આપી હતી. સરકારની આરોગ્ય યોજના હેઠળ આ મંજૂરી અપાઈ હતી પણ સરકારે યુનાની ક્ષેત્ર માટે કોઈ ફાળવણી કરી ન હતી. સરકારના આ પગલાંથી એવી લાગણી અનુભવાઈ રહી છે કે, યુનાની ક્ષેત્રની અવગણના કરવામાં આવી રહી છે.
Recent Comments