નવી દિલ્હી,તા.૧૩

મુસ્લિમ પર્સનલ લો બોર્ડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કડક ચેતવણી આપતા સરકારને આંતરિક વિગ્રહ કે આંતરિક યુદ્ધ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. લો કમિશને (કાયદા પંચે) ‘ટ્રિપલ’ અર્થાત ત્રણ તલાકની પ્રથાનો અંત લાવવાના પ્રયાસમાં સમાન સિવિલ કોડ (યુનિફોર્મ સિવિલ કોડ) દાખલ કરવો કે કેમ તે અંગે જનતાનો અભિપ્રાય મેળવવા માટે કરેલી જાહેેરાતની પ્રતિક્રિયા તરીકે બોર્ડે આ ચેતવણી જારી કરી છે.

લો કમિશને વિવિધ ધર્મોમાં મહિલા વિરોધી કુરિવાજો હટાવવાના હેતુથી સામાન્ય જનતાનો અભિપ્રાય માગ્યો હતો. જેમાં ટ્રિપલ તલાક, બહુ પત્ની પ્રથા અને બીજા પ્રથાઓને લઈને ૧૬ સવાલો દ્વારા જનતાનો અભિપ્રાય માગવામાં આવ્યો હતો. સામાન્ય જનતા અને સંબંધિત પક્ષકારોએ ૪૫ દિવસની સમયમર્યાદામાં તેના જવાબો આપવાના છે. ત્યારબાદ તે આગળની કાર્યવાહી નિર્ધારિત કરશે. કાયદા પંચના અધ્યક્ષ જસ્ટિસ બી.એસ.ચૌહાણે જણાવ્યું હતું કેે, આ નિર્ણયને કોઈ ખાસ ધર્મ સાથે સાંકળીને જોવો જોઈએે નહીં આ તમામ ધર્મમાં પ્રચલિત રીતરિવાજ અને કાયદા અંગે છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, પંચ તેના પર વિચાર કરતી વખતે કોઈ ખાસ ધર્મ પર નહીં પરંતુ ધાર્મિક રીતરિવાજ પર વિચારણા કરશેે. અહીં ભારતના સામાજિક માળખાના હાર્દ સમાન વૈવિધ્ય અને બહુલતા સાથે બાંધછોડ કર્યા વગર પારિવારિક કાયદામાં સુગ્રથિત રીતે સુધારા દાખલ કરવાનો ઉદ્દેશ્ય છે. ટ્રિપલ તલાકને નાબૂદ કરવાના મુદ્દા પર મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો આક્રોશ ભડકી ઉઠ્યો છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડના હઝરત મૌલાના વાલી રહેમાને જણાવ્યું હતું કે, સમાન સિવિલ કોડ આ રાષ્ટ્ર માટે યોગ્ય નથી. આ દેશમાં અનેક સંસ્કૃતિઓ છે જેનો આદર કરવો જોઈએ. મુસ્લિમોએ પણ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સમાન રીતે ભાગ લીધો હતો. પરંતુ તેમની સામેલગીરીનું હંમેશા અવમૂલ્યન કરવામાં આવ્યું છે. આપણે આ દેશમાં બંધારણની સમજૂતી કે કરાર હેઠળ રહીએ છીએ. બંધારણે અમને અમારા ધર્મનું પાલન કરવાનો અધિકાર આપ્યો છે.

તેમણે આક્ષેપ કર્યો હતો કે, કાયદાપંચ સ્વતંત્ર નથી પરંતુ સરકારી સંસ્થા તરીકે કામ કરી રહ્યું છે. તેમણે  દાવો કર્યો હતો કે, તેમની પ્રશ્નાવલી છેતરપિંડી સમાન છે કારણ કે, સમાન સિવિલ કોડની (સમાન નાગરિક સંહિતા) તરફેણમાં છે. કાયદાપંચનો અમે બહિષ્કાર કરીશું તેનું વલણ પૂર્વાગ્રહયુક્ત છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડે એવા પણ આક્ષેપ કર્યા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પોતાની સરકારની નિષ્ફળતા છુકાવવાનો આ એક પ્રયાસ છે. બોર્ડે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તમામ મુસ્લિમો આ મુદ્દે સંગઠિત છે અને યુનિફોર્મ સિવિલ કોડ લાવવાનો કોઈ પણ પ્રયાસ આંતરિક શાંતિ અવરોધશે.