(એજન્સી) તા.૧૦
ઈન્ટરનેશનલ યુનિયન ઓફ મુસ્લિમ સ્કોલર્સ (આઈયુએમએસ)એ મંગળવારે ઈઝરાયેલ સાથે સંબંધો સામાન્ય બનાવવા વિરૂદ્ધ સર્વસંમતિથી એક ફતવો બહાર પાડયો હતો. આ ફતવામાં કહેવામાં આવ્યું હતું કે, પેલેસ્ટાઈનનો મુદ્દો ફકત રાજકીય નથી પરંતુ તે અલ-અકસા મસ્જિદ સાથે સંકળાયેલો છે. જે મુસ્લિમો માટે ત્રીજુ સૌથી પવિત્ર સ્થળ છે આ નિવેદનમાં ઈઝરાયેલ સાથે સંબંધોને સામાન્ય બનાવવા અંગે થયેલી સમજૂતીને સૌથી પવિત્ર ભૂમિ પર ઈઝરાયેલના કબજા સાથે સમાધાન અને પેલેસ્ટાઈનીઓ વિરૂદ્ધ થઈ રહેલા અત્યાચારોને કાયદેસરના બક્ષવાનું કૃત્ય ગણાવ્યું હતું. આ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ઈસ્લામિક શરિયા મુજબ આ કહેવાતી શાંતિ સમજુતી હરામ છે અને તે એક ઈસ્લામિક દેશ સાથે વિશ્વાસઘાત છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ યુએઈ અને ઈઝરાયેલ વચ્ચે સંબંધોને સામાન્ય બનાવવા અંગે થયેલી સમજૂતીની જાહેરાત કરી હતી.