(એજન્સી) મુંબઈ, તા.ર૪
આર.બી.આઈ.ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને શુક્રવારે કહ્યું કે યુનિવર્સિટીઓ એવી સુરક્ષિત જગ્યાઓ હોવી જોઈએ જ્યાં ચર્ચાઓ ચાલતી રહે અને કોઈને પણ ‘રાષ્ટ્ર વિરોધી’ કહીને ચૂપ કરાવવામાં ના આવે. યુનિવર્સિટીઓમાં દરેક પ્રકારના વિચાર પ્રવાહને પ્રોત્સાહિત કરવા જોઈએ. આપણે યુનિવર્સિટીઓનું એવા સ્થાન તરીકે સન્માન કરવું જોઈએ જ્યાં વિચારો પર ચર્ચા થતી હોય અને જ્યાં તમે અન્ય પક્ષને એવું કહીને ચૂપ ના કરાવતા હોય કે તમને આવું બોલવાનો અધિકાર નથી અથવા તો તમે રાષ્ટ્ર વિરોધી છો.
આ પહેલાં ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન અને ભારતીય કોર્પોરેટ જગતના દિગ્ગજો તેમજ કેટલાક અર્થશાસ્ત્રીઓએ લિબરલ આર્ટ વિશ્વવિદ્યાલયની સ્થાપના માટે હાથ મિલાવ્યા છે. આ યુનિવર્સિટી આંધ્રપ્રદેશની શ્રી સિટીમાં સ્થાપવામાં આવશે. આ ગઠબંધનનો હેતુ દેશમાં પૂર્વ્‌ સ્નાતકના અભ્યાસના સ્તરમાં પરિવર્તન લાવવાનો છે. ઈન્ડસઈન્ડ બેંકના પ્રમુખ તથા યુનિવર્સિટીના દેખરેખ બોર્ડના ચેરમેન આર.શેષસાયીએ કહ્યું કે લિબરલ આર્ટ વિશ્વવિદ્યાલયમાં પહેલાં ચરણમાં ૭પ૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.