ગાંધીનગર, તા.૧૯
રાજ્યની યુનિવર્સિટીઓમાં સત્તામંડળમાં એસસી અને એસટી માટે અનામત પ્રથા લાગુ કરવા માટે યુજીસીના આદેશને લઈ રાજ્ય સરકારે રાજ્યની યુનિવર્સિટીઓને આ અનામત પ્રથા લાગુ કરવા માટે પત્ર લખીને જાણ કરી હતી. તેમ છતાં રાજ્યની ૬ યુજીસીના આદેશ અને રાજ્ય સરકારની સૂચનાને ઘોળી પી ગઈ છે. તેમજ આ મુદ્દે સરકારને હજુ સુધી જાણ ન કરીને યુનિવર્સિટીઓ પોતાની મનમાની કરી હોવાનું ફલિત થાય છે.
ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પ્રશ્ન પૂછ્યો હતો કે રાજ્યની યુનિવર્સિટીઓના સત્તામંડળોમાં એટલે કે સેનેટ, સિન્ડીકેટ અને એકેડેમિક કાઉન્સિલમાં એસસી અને એસટી માટે અનામત પ્રથા લાગુ કરવાનો યુજીસીનો આદેશ છે. તે મામલે તા.૩૧ ડિસેમ્બર ર૦૧૭ સુધીમાં રાજ્ય સરકારે કેટલી યુનિવર્સિટીને જાણ કરી તથા આ મામલે હાલની સ્થિતિ શું છે ? આ પ્રશ્નના જવાબમાં શિક્ષણમંત્રીએ લેખિતમાં જણાવ્યું છે કે, યુનિવર્સિટીઓના સત્તામંડળોમાં અનામત પ્રથા લાગુ કરવાના યુજીસીનો આદેશ ઓગસ્ટ ર૦૦૭થી સરકારના ધ્યાનમાં આવ્યો છે ત્યારે સરકારે વર્ષ ર૦૦૭, ર૦૧ર અને ર૦૧૬ના રોજ રાજ્યની તમામ યુનિવર્સિટીઓને પત્ર પાઠવીને યુજીસીના આદેશ મુજબ સત્તાંડળોમાં અનામત પ્રથા લાગુ કરવા જણાવ્યું હતું તેમ છતાં ડિસેમ્બર ર૦૧૭ની સ્થિતિએ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ, શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, ગોધરા અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ તરફથી રાજ્ય સરકારને આ મુદ્દે ભલામણ મળવાની બાકી છે. એટલે આ ૬ યુનિવર્સિટીઓએ અનામત પ્રથા લાગુ કરવા મુદ્દે રસ જ દાખવ્યો નથી. આમ યુજીસીનો આદેશ અને રાજ્ય સરકારની સૂચના છતાં રાજ્યની ૬ યુનિવર્સિટીઓને તેના સત્તામંડળોના અનામત પ્રથા લાગુ કરવામાં ઉદાસીનતા દાખવીને યુજીસી અને સરકારના આદેશોને માનતી નથી.