(એજન્સી) કાસગંજ, તા. ૩૧
ઉત્તર પ્રદેશના કાસગંજ શહેરમાં ગણતંત્ર દિવસે હિંસા દરમિયાન ૨૩ વર્ષના અભિષેક ગુપ્તા ઉર્ફે ચંદન ગુપ્તાની હત્યાનો મુખ્ય આરોપી સલીમની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે કહ્યું કે સલીમ ઘરની બાલ્કનીમાંથી ગોળીબાર કરી રહ્યો હતો. પોલીસે કહ્યું છે કે, સલીમ ઉપરાંત તેના બે ભાઇ વસીમ અને નસીમ તથા અન્ય ૧૭ લોકોને ઓળખી લેવામાં આવી છે અને તેમની ધરપકડ ટૂંક સમયમાં જ કરી લેવામાં આવશે. આ તમામ પર હત્યા તથા અન્ય કાયદાકીય કલમો લગાવવામાં આવી છે. આગ્રાના એડીજી અજય આનંદે જણાવ્યું કે, બુધવારે સવારે સ્થાનિક પોલીસે સલીમની ધરપકડ કરી હતી. આ સંબંધમાં અન્ય આરોપીઓની પકડવાના અમારા પ્રયાસો ચાલુ છે. જોકે, ધરપકડ બાબતે અધિકારીએ અન્ય વિગતો આપવાનો ઇન્કાર કર્યો હતો. કાસગંજના જિલ્લા અધિકારી આરપી સિંહે પણ સલીમની ધરપકડની પુષ્ટી કરી છે. કાસગંજના કોટવાલી પોલીસ સ્ટેશનમાં ગુપ્તાના પિતા દ્વારા ફરિયાદ નોંધાવાઇ હતી. કાસગંજના એસપી પિયુષ શ્રીવાસ્તવે કહ્યું કે, આરોપીની મિલકત જપ્ત કરવાની નોટિસ તેના ઘરે મોકલી દેવામાં આવી છે. બીજી તરફ કાસગંજ જિલ્લા પાસેના ઇટાહમાં આવેલા મિરહાચી વિસ્તારમાં કોંગ્રેસના પ્રતિનિધિમંડળને પ્રવેશવાથી સત્તાવાળાઓએ રોક્યા હતા. જિલ્લા અધિકારીએ સાવચેતીના પગલાં રૂપે તેમને ત્યાં પ્રવેશવાની પરવાનગી આપી નહોતી. ગયા અઠવાડિયે ગણતંત્ર દિવસ પ્રસંગે બાઇક રેલી પર પથ્થરમારાને પગલે ફાટી નિકળેલી હિંસામાં ત્રણ દુકાનો, બે બસો અને એક કારને આગને હવાલે કરી દેવામાં આવી હતી. આ ઘટનામાં કુલ ૧૧૮ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. પશ્ચિમીઉત્તરપ્રદેશના આ શહેરમાં કેટલાક વિસ્તારોમાં હજુ પણ તંગદિલી યથાવત છે. પોલીસે કહ્યું કે, અહીં ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પડી રહી છે. બુધવારે પણ નાના છમકલા થયા હતા. અધિકારીઓએ કહ્યું કે, કેન્દ્ર સરકારના આદેશને પગલે રાજ્ય સરકાર હિંસા અંગે રિપોર્ટ તૈયાર કરી રહી છે અને જરૂરી પગલાં લઇ રહી છે. મંગળવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, રાજય સરકાર દરેકે દરેક નાગરિકને સુરક્ષા આપવા માટે કટિબદ્ધ છે. તેમણે કહ્યું હતુ કે ધમાલિયા તત્વોને રાજ્યમાં કોઇ સ્થાન નથી અને વાયદો કર્યો હતો કે, હિંસાના ષડયંત્રકારીઓ વિરૂદ્ધ કડક પગલાં ભરાશે અને કોઇને પણ સજા વિના છોડવામાં નહીં આવે.