(એજન્સી) તા.૧૧
જમીનદાર અને ભાડુઆતના હિતોનું રક્ષણ કરવા માટે ઉ.પ્ર.સરકારે એક નવો કાયદો લાવવાનો નિર્ણય કર્યો છે જે ભવિષ્યમાં બંને પક્ષકારો વચ્ચેના વિવાદને અટકાવશે. ઉ.પ્ર.રેગ્યુલેશન ઓફ અર્બન પ્રિમાઇસીઝ ટેનન્સી ઓર્ડિનન્સ ૨૦૨૧ના મુસદ્દા વટહુકમને રાજ્ય કેબિનેટે સરક્યુલેશન દ્વારા બહાલી આપી દીધી છે. સરકારના પ્રવકતાના જણાવ્યા અનુસાર આ નવા કાયદા હેઠળ હવે જે મિલકત કે સંપત્તિ ભાડે આપવામાં આવશે તેના માટે ભાડા કરાર ફરજીયાત બનશે. આ માટે રેંટ ઓથોરિટીની રચના કરવામાં ંઆવશે અને આ ઓથોરિટીમાં નવા ભાડા કરારની નોંધણી કરાવવી પડશે. ઓથોરિટી એક યુનિક આઇડેન્ટિફીકેશન નંબર આપશે અને આ કરાર મળ્યાના સાત દિવસની અંદર તેની વેબસાઇટ પર ભાડુઆતની વિગતો અપલોડ કરશે. જો ભાડે આપવાની મિલકતની સમયાવધિ ૧૨ મહિના કરતાં ઓછી હોય તો ભાડુઆતની વિગતો ઓથોરિટી સાથે શેર કરવામાં આવશે નહીં. આ નવા કાયદા હેઠળ મકાન માલિક ઘરેલુ ઉપયોગ માટે ભાડું માત્ર ૫ ટકા અને વાણિજ્ય ઉપયોગ માટે ૭ ટકા વધારી શકશે. બે મહિના સુધી જો ભાડું ચૂકવવામાં આવશે નહીં તો ભાડુઆતે મકાન કે મિલકત ખાલી કરવી પડશે. રેંટ ઓથોરિટી અને એપેલેટ ટ્રીબ્યુનલે કાયદાની જોગવાઇ પ્રમાણે ૬૦ દિવસની અંદર કોઇ પણ વિવાદ કે તકરારનો નિવેડો લાવવો પડશે. ભાડુઆત અને મિલકતના માલિક ભાડાની સમયાવધી અને કરારના રીન્યૂઅલ સંયુક્ત રીતે નક્કી કરશે. આ કરારમાં દર્શાવવામાં આવેલ મુદ્દાઓ કોઇ પણ બે પક્ષકારમાંથી એક કે બંનેનું મૃત્યુ થાય તો આ મુદ્દાઓ ભાડુઆત અને મકાનમાલિક બંનેના ઉત્તરાધિકારી કે વારસદારને લાગુ પડશે. આ નવા કાયદામાં મકાનમાલિકની જવાબદારી, ભાડા કરાર રીન્યૂઅલ કરવા બદલ ભાડામાં વધારો, તકરાર કે વિવાદનો નિકાલ લાવનાર રેટ ઓથોરિટીની વિગતો જેવા બાબતો નિર્ધારિત કરવામાં આવી છે. આમ આ નવો વટહુકમ એક અનન્ય પ્રકારનો છે કારણ કે તેમાં હયાત ભાડે આપવામાં આવતી મિલકતોના ભાડાને નિયમન કરતી જોગવાઇઓ છે.