(એજન્સી) તા.૨૮
જ્યારે દેશભરમાં કોરોના વાયરસની મહામારીના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યાં છે અને નાગરિકો આશા રાખીને બેઠા છે કે, સરકાર તેમને આ રોગની મહામારીથી બચાવવા માટે અસરદાર કામ કરશે ત્યારે તેમની આશા પર પાણી ફેરવતાં યુપીની ભગવાધારી યોગી આદિત્યનાથની સરકાર હજુ પણ કોમવાદને સહારે આગળ વધી રહી હોય તેમ સીએએ કાયદાનો વિરોધ કરનારા નાગરિકો વિરૂદ્ધ સત્તાનો દુરૂપયોગ કરી રહી છે.
૨૩ માર્ચ ૨૦૨૦ના રોજ ડૉ.આશીષ મિત્તલની ઉત્તરપ્રદેશ પોલીસે ધરપકડ કરી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે જ્યારે દેશમાં લોકડાઉન જાહેર કરી દીધું છે. ત્યારે નાગરિકતા સુધારા કાયદા વિરૂદ્ધ દેખાવ કરનારા લોકોને સમર્થન આપનારા ડૉ.આશીષ મિત્તલ વિરૂદ્ધ ગેરકાયદે કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, આશીષ મિત્તલે અલ્હાબાદના મનસૂર પાર્ક ખાતે દેખાવ કરનારી મહિલાઓને સમર્થન આપ્યું હતું. તેમને આ દરમિયાન રાજ્યની પોલીસ દ્વારા ચેતવણી પણ આપવામાં આવી હતી.
તદ્‌ઉપરાંત જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે યુપીની પોલીસે તેમની વિરૂદ્ધ એપિડેમિક ડિસીઝ એક્ટ, ૧૮૯૭ હેઠળ કાર્યવાહી કરી હતી. જો કે, બીજી બાજુ વધુ એક એક્ટિવિસ્ટ ઉમર ખાલિદ જે પોલીસ કસ્ટડીમાં છે તેની વિરૂદ્ધ પણ આ કાયદા હેઠળ જ કાર્યવાહી કરી હતી.
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)થી ગ્રેજ્યુએટ થનાર આશીષ ઓલ ઈન્ડિયા કિસાન મજદૂર સભાના મહાસચિવ પણ છે. ૨૩ માર્ચના રોજ જિલ્લા વહીવટીતંત્રએ તેમને નોટિસ પણ આપી હતી. તેમને કહ્યું હતું કે, તે નાગરિકતા સુધારા કાયદા વિરોધી મહિલાઓને સમર્થન ન આપે અને જો તે સમર્થન આપતા રહેશે તો તેમની વિરૂદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો કે, હવે લોકો તેમની વિરૂદ્ધ કરાયેલી યોગી સરકારની કાર્યવાહીની આકરી ઝાટકણી કાઢી રહ્યા છે.