(એજન્સી) બારાબંકી, તા.ર૪
યુપીના બારાબંકી જિલ્લાની એક કેથોલિક શાળામાં ભણતી બે મુસ્લિમ વિદ્યાર્થિનીઓને માથે સ્કાર્ફ પહેરીને કેમ્પર્સની અંદર દાખલ થવા પર પ્રતિબંધ લાદયો છે. શાળા તંત્રએ એવી દલીલ કરી છે કે, તે સંસ્થાના યુનિફોર્મ કોડની વિરૂદ્ધ છે તેમ વિદ્યાર્થિનીના પરિવારજનોએ આરોપ મૂક્યો છે. બારાબંકીની આનંદ ભવન શાળા કે જે ઈન્ડિયન સ્કૂલ સર્ટીફિકેટ પરીક્ષા બોર્ડ અને યુપી બોર્ડ સાથે જોડાયેલ છે. આ શાળાના તંત્રએ મૌલાના મોહમ્મદ રઝા રિઝવીની પુત્રી અને ભત્રીજી (ધો.૭)ને શાળામાં હિજાબ પહેરી નહીં આવવા સૂચના આપી છે. હિજાબથી માથું અને વાળ ઢાંકવામાં આવે છે. વિદ્યાર્થિનીના પિતાએ કહ્યું કે, અમે ઈસ્લામના ચુસ્ત અનુયાયી છીએ. છોકરીઓ માટે હિજાબ પહેરવો ફરજિયાત છે તેથી અમારી દીકરીઓ હિજાબ પહેરી શાળાએ જાય છે પરંતુ શાળા તંત્ર તેને શાળાના પરિસરમાં મંજૂરી આપતું નથી. જ્યારે આપણું બંધારણ દેશના દરેક નાગરિકોને ધર્મ પાલનની આઝાદી આપે છે ત્યારે કોઈપણ કોમ પર શિક્ષણ સંસ્થાઓમાં આનો પ્રતિબંધ લાદી શકે નહીં. શીખોને પણ શાળાઓમાં પાઘડી પહેરવાની છૂટ છે. શાળા તંત્રએ વિદ્યાર્થિનીના પરિવારને પત્ર લખી જણાવ્યું છે કે, સંસ્થા નિયમો મુજબ ચાલે છે, ધાર્મિક માન્યતાઓ મુજબ નહીં. અમારી સંસ્થા લઘુમતી સંસ્થા છે. શાળા તંત્રએ આ બાબતે કોઈ ટિપ્પણી આપી નથી. બારાબંકીના કલેક્ટરે કહ્યું કે, વિદ્યાર્થિનીના પરિવારે આ મુદ્દે તેમનો સંપર્ક કરી દખલની માગ કરી હતી. શિક્ષણાધિકારી પી.એન.સિંગને આ મુદ્દે તપાસ સોંપાઈ છે. ર૦૧પમાં લખનૌમાં સેન્ટ જોસેફ ઈન્ટર કોલેજમાં ધો.૯ની વિદ્યાર્થિનીને હિજાબ પહેરીને શાળામાં જવા બદલ ઘરે પાછી મોકલી હતી. જે ડ્રેસ કોડનું ઉલ્લંઘન જણાવાયું હતું. શાળા સામે આ મુદ્દે મેજિસ્ટ્રેટીયલ તપાસ હાથ ધરાઈ હતી. તે જ વર્ષે સીબીએસસી બોર્ડે ઓલ ઈન્ડિયા પ્રિ-મેડિકલ ટેસ્ટ (એઆઈપીએમટી) સમયે પ્રવેશ માટે દાખલ થનાર વિદ્યાર્થિનીઓને લાંબી બાંયોવાળા કપડાં અને હિજાબ પહેરીને આવવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેની સામે વિરોધ થયો હતો. કેટલાક સંગઠનોએ દલીલ કરી હતી કે હિજાબ જેવા કપડા અને પહેરણ એ તેમના ધાર્મિક રિવાજનો ભાગ છે. પાછળથી બોર્ડે કહ્યું હતું કે, હિજાબ પહેરીને પરીક્ષા આપવા આવનારને જુદા ખંડમાં બેસાડી છૂટ અપાશે.