(એજન્સી) તા.૨૫
ભાજપના ઘણા મુખ્ય પ્રધાનો સહિત સંઘ પરિવાર અને તેના સમર્થકો દ્વારા જેમનો વ્યાપક રીતે પથદર્શક નેતા અને વિધાનસભ્ય તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે એવા યોગી આદિત્યનાથે રાજ્યમાં વસ્તી નિયંત્રણ કરવા માટે કડક મુસદ્દા વિધેયક રજૂ કર્યુ છે. ઉ.પ્ર. કાયદા પંચ દ્વારા જાહેર પરીક્ષેત્રમાં મૂકવામાં આવેલ મુસદ્દા વિધેયકનો મુસદ્દો ખરાબ રીતે તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં અનેક પ્રકારની ધમકીઓ આપવામાં આવી છે જેના કારણે રાજ્યમાં જન્મદર ઘટવાની શક્યતા નહીવત છે પરંતુ આ મુસદ્દા વિધેયક ચોક્કસપણે ગરીબ પરિવારોને વધુ નુકસાન પહોંચાડશે. યુપીનું વસ્તી નિયંત્રણ વિધેયક મહિલાઓ અને ગરીબ પરિવારો માટે નુકસાનકારક અને વિનાશકારી પુરવાર થઇ શકે છે. તે વિવિધ સમુદાયો અને વર્ગોની મહિલાઓને વિપરીત રીતે પ્રભાવિત કરશે અને તેમના અધિકારો છિનવી લઇને તેમને બીમારી, સામાજિક કલંક અને હિંસાનો વધુ ભોગ બનાવશે. એક વાત હવે વ્યાપક રીતે સ્વીકૃત છે કે વસ્તી નિયંત્રણ કરવા માટે દબાણ લાવવાથી પાયાના માનવ અધિકારોને મહિલાના અધિકારોનું તો હનન થશે જ પરંતુ સાથે સાથે આ વિધેયકનો હેતુ સિદ્ધ કરવામાં તે સંપૂર્ણપણે બિન અસરકારક અને બિનકાર્યક્ષમ પુરવાર થશે. આ વિધેયકમાં વંધ્યકરણની શસ્ત્રક્રિયા કરાવનાર પતિ કે પત્નીને પ્રમોશન ,ઇન્ક્રીમેન્ટ અને હેલ્થ કેર તેમજ બાળકો માટે શૈક્ષણિક સુવિધાઓ જેવા લાભ અને વળતર આપવામાં આવશે. પરંતુ આપણે જે સમાજમાં વસીએ છીએ તે અત્યંત પિતૃસત્તાક સમાજ છે અને તેથી કુટુંબનિયોજનનું ઓપરેશન કરાવવાનો બોજ મોટા ભાગે મહિલાઓને વહન કરવો પડશે અને આથી મહિલાઓનું આરોગ્ય વિપરીત રીતે પ્રભાવિત તો થશે જ સાથે સાથે અન્ય સમસ્યાઓ પણ ઊભી થશે. જેમ કે જો પ્રથમ બાળક પુત્રી હોય અને મહિલાને વંધ્યકરણનું ઓપરેશન કરાવવા માટે ફરજ પાડવામાં આવશે તો પુરૂષ કદાચ મહિલાને છૂટાછેડા આપી દેશે અને પુરૂષ ત્યારે કોઇ બીજી મહિલા સાથે લગ્ન કરી શકશે પરંતુ છૂટાછેડા આપવામાં આવેલ મહિલાનું ભાવિ અનિશ્ચિત બની જશે. એવા અસંખ્ય કિસ્સાઓ છે કે માત્ર છોકરીઓને જ જન્મ આપનાર મહિલાને ઘરેલુ હિંસા, છૂટાછેડા કે મૃત્યુનો સામનો કરવો પડ્યો હોય. આમ યોગી આદિત્યનાથનું વસ્તી નિયંત્રણ વિધેયક મહિલાઓ અને ગરીબ પરિવારો માટે ખરેખર વિનાશકારી પુરવાર થશે.