(એજન્સી) તા.૧૦
ઉત્તરપ્રદેશ પ્રોહિબિશન ઓફ અનલૉફૂલ કન્વર્ઝન ઓફ રિલિજિયન એક્ટ ૨૦૨૦ ભારે ચર્ચામાં છે. આ વિવાદિત કાયદો ખાસ કરીને મુસ્લિમોને નિશાન બનાવવા માટે લવાયો છે તે જગજાહેર છે. યુપીની પોલીસે હવે ખુદ એવા અનેક ઉદાહરણો પૂરાં પાડી દીધા છે જેનાથી સાબિત થાય છે કે તેઓ ફક્ત હિન્દુઓ પર જ ધ્યાન આપશે અને મુસ્લિમ પીડિતો પર નહીં. ઉત્તરપ્રદેશ પોલીસની વાત કરીએ તો છેલ્લા સાત દિવસોમાં સાત ફરિયાદો આ કાયદા હેઠળ નોંધવામાં આવી હતી અને તેમાં ખાસ કરીને હિન્દુ ધર્મની પીડિતાઓ પર જ ભાર મૂકાયો હતો જ્યારે આવા જ કેસ જ્યારે મુસ્લિમ મહિલાઓ સાથે બન્યા તો તેમની ફરિયાદ નોંધવાનો પોલીસે ઈનકાર જ કરી દીધો. ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક વૂમન એસોસિએશનના અધ્યક્ષ મધુ ગર્ગે કહ્યું કે આ કાયદો મુસ્લિમ યુવતીઓ સાથે પક્ષપાત કરે છે. ધર્મના આધારે કોઈ કાયદો ન હોવો જઈએ. મુસ્લિમ હોય કે હિન્દુ તમામ માટે કાયદો એકસમાન હોવો જોઈએ. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ રીતે મુસ્લિમ યુવતીઓ પર ધ્યાન અપાઈ રહ્યું નથી જેમને ફસાવીને હિન્દુ યુવકોએ હિન્દુ ધર્મમાં ધર્માંતરણ કરાવી દીધી. ગર્ગે આ દરમિયાન બે મુસ્લિમ મહિલાઓના ઉદાહરણ પણ પૂરાં પાડ્યા હતા. શકીલા અકા સોની કુશીનગરની હતી જેણે ૨૦૧૩માં લખનઉના સુરેશ યાદવ સાથે લગ્ન કર્યા હતા. તેઓ લખનઉમાં ભાડાના મકાનમાં રહેતા હતા. શકીલાએ લગ્ન બાદ ધર્મ પરીવર્તન કર્યુ હતું અને સોની બની ગઈ હતી. શકીલાને ૨૦૧૭માં ખબર પડી કે સુરેશ યાદવ પહેલાથી પરણેલો હતો અને તેના બાળકો પણ હતા. શકીલાએ કહ્યું કે તેનું શારીરિક શોષણ કરાયું અને તેને ટોર્ચર કરાઈ હતી. સુરેશે તેને આ અંગે કંઈ પણ ખુલાસો કરવા સામે ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી હતી. જોકે વધુ એક રૂકૈયા બાનો સાથે પણ આવી જ ઘટના બની હતી. યશવર્ધન શ્રીવાસ્તવે ૨૦૧૭માં તેને ફસાવીને આર્ય સમાજના મંદિરમાં લગ્ન કર્યા હતા. તેણે પણ હિન્દુ ધર્મ અપનાવી લીધો અને મુસ્કાન બની ગઈ. જોકે હવે તે ઈનકાર કરે છે કે તેણે તેની સાથે લગ્ન કર્યા જ નથી.