(એજન્સી) તા.૭
તાજેતરમાં ઉ.પ્ર.માં જ્ઞાતિ આધારીત સર્વેક્ષણ હાથ ધરવા બદલ યુપી સરકારે અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી હતી. આ એફઆઇઆર દાખલ કર્યા બાદ આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ આગળ આવ્યાં હતાં અને તેમણે આ સર્વેક્ષણમાં પોતાની સંડોવણી હોવાનું સ્વીકાર્યુ હતુ. તેમણે આ સર્વેનો બચાવ કરતાં એવી દલીલ કરી હતી કે આ પ્રકરના સર્વે સરકાર અંગેની છાપ લોકો કેવી રીતે મૂલવે છે કે સમજે છે તે સમજવામાં સહાયભૂત થાય છે. આજના સાયબર યુદ્ધમાં આ પ્રકારના સર્વે બે રીતે કામ કરે છે એક તો નીતિઓ ઘડવા માટે ડેટા જનરેશન દ્વારા આ સર્વે આપણને સામાજિક વાસ્તવિકતા સમજવામાં સહાયભૂત થાય છે. બીજું કેટલાક સર્વે પ્રશ્નો પૂછીને લોકોના માનસને કોઇ ચોક્કસ દિશામાં વિચારતા કરી મૂકીને લોકોના ખ્યાલ અને ગ્રહણશક્તિ સાથે ચેડાં કરે છે. યુપીમાં વિવિધ રાજકીય પક્ષો બ્રાહ્મણ અને દલિત જેવી કેટલીક જ્ઞાતિઓ અને સમુદાયોની નારાજગીને વધારવાની કોશિષ કરી રહ્યાં છે અને તેમને ચૂંટણી હેતુસર પોતાની તરફેણમાં વાળવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે.
આમ આદમી પાર્ટી છેલ્લી કેટલીક ચૂંટણીઓથી યુપીમાં પોતાના ચૂંટણી આધાર પ્રસ્થાપિત કરવાની કોશિષ કરી રહી છે પરંતુ સઘન પ્રયાસો છતાં હજુ તેમને સંતોષકારક પરિણામો મળ્યાં નથી. ઉ.પ્ર.ના જ સંજયસિંહ ચૂંટણી પાયાનું ખેડાણ કરવાની કોશિષ કરી રહ્યાં છે. આમ ખાસ કરીને આપનો પ્રયાસ ભાજપ વિરુદ્ધ એક ખ્યાલ ઊભો કરવાનો છે. દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટીએ આવું જ કર્યુ હતું.
આજકાલ માર્કેટ અને રાજનીતિ બંને પોતાની બ્રાન્ડ માટે ડિમાન્ડ ઊભી કરવા સર્વે જેવી ટેકનિકનો ઉપયોગ કરી રહ્યાં છે અને એ રીતે લોકોના ખ્યાલને પોતના તરફ વાળવાની કોશિષ પણ કરવામાં આવી રહી છે. આ બ્રાંડમાં માલસામાન અને પ્રોડક્ટ ઉપરાંત ઇમેજ કે પ્રતિભા પણ હોઇ શકે છે. પશ્ચિમમાં ચૂંટણીના લોકતંત્રમાં ચૂંટણી દરમિયાન કોઇ એક ખ્યાલ ઊભો કરવાની આવી પદ્ધતિનો સરળતાથી ઉપયોગ થતો જોવા મળે છે. આમ આ પ્રકારના સર્વેની રાજકીય અસર સમજીને યોગી આદિત્યનાથની ભાજપ સરકાર રોષે ભરાયેલ છે. તેની સામે જ્ઞાતિવાદી વલણને આધારે આ સર્વે કેટલીક જ્ઞાતિઓને પોતાની તરફેણમાં વાળવી એ એક રણનીતિ હોય છે અને આમ આદમી પાર્ટી આ રણનીતિનો ઉપયોગ કરી રહી છે. આમ હવે ઉ.પ્ર.માં ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં રાજનીતિમાં ચોક્કસ ખ્યાલ ઊભો કરવાની આ લડતનું શું પરિણામ આવે છે તે જોવાનું રહ્યું.