(એજન્સી) સંભલ, તા.૧૯
ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં સમાજવાદી પાર્ટીના નેતા અને તેમના દીકરાની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યા ગામમાં બની રહેલા રસ્તાને લઈને થયેલા વિવાદ પર કરવામાં આવી છે. આ હિચકારી હત્યાની આ ઘટનાનો લાઈવ વીડિયો પણ કેમેરામાં કેદ થયો છે. આરોપી હુમલો કર્યા બાદ ફરાર થઈ ગયો છે. મામલો સંભલ જિલ્લાના બહજોઈ વિસ્તારનો છે. અહીંના ગામ સમસોઈમાં રસ્તાને લઈને બે પક્ષોમાં વિવાદ થઈ ગયો. સપા નેતાની પત્ની સરપંચ છે. ગામમાં એક રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જેનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા હતા. આ વિવાદ એટલો વધી ગયો કે બંદૂક નીકળી. આ દરમિયાન ઘટનાસ્થળે રહેલા સપા નેતા છોટે લાલ દિવાકર અને તેમના દીકરાને ગોળી મારી દેવામાં આવી. આરોપી જ્યારે ફાયરિંગ કરી રહ્યા હતા ત્યારે ત્યાં ઘણા લોકો હાજર હતા. લોકોએ આ ઘટનાનો વીડિયો મોબાઈલમાં શૂટ કરી દીધો. આ વીડિયોમાં આરોપી ગોળી મારતો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. અત્યારે પોલીસે કેટલાક લોકોની ધરપકડ કરી છે, પરંતુ હત્યાના મુખ્ય આરોપી પોલીસની પકડથી બહાર છે. સપા નેતા છોટેલાલ યાદવ વિધાનસભા ચૂંટણીમાં પણ ઉમેદવાર રહ્યા છે પત્ની અત્યારે સરપંચ છે. આ ઘટના બાદ વિસ્તારની રાજનીતિમાં હાહાકાર મચી ગયો છે. સપા નેતાના પરિવારે પોલીસ પર લાપરવાહીનો આરોપ લગાવ્યો છે. પરિવારનો આરોપ છે કે, પોલીસને સૂચના આપવામાં આવી, પરંતુ ઘટનાસ્થળે પોલીસ મોડી પહોંચી. અત્યારે ગામમાં તણાવપૂર્ણ માહોલ જોતા પોલીસ ગોઠવવામાં આવી છે. સમાજવાદી પાર્ટીએ આ ઘટના પર સખ્ત પ્રતિક્રિયા આપી છે. પાર્ટીએ ટિ્‌વટ કરીને કહ્યું કે, ‘હત્યારી સરકાર ! બીજેપીના સત્તા સંરક્ષિત ગુંડા કરી રહ્યા છે જનતાની અવાજ ઊઠાવનારાઓ પર પ્રહાર ! સંભલના દલિત નેતા તેમજ ચંદૌસીથી પૂર્વ સપા વિધાનસભાનાં ઉમેદવાર શ્રી છોટે લાલ દિવાકર સહિત તેમના પુત્રની હત્યા દુઃખદ ! પરિવાર પ્રત્યે સંવેદના ! હત્યારાઓની ધરપકડ કરીને થાય ન્યાય !’