(એજન્સી) તા. ૧૨
સમાજવાદી પાર્ટીના નેતા જાવેદ સિદ્દીકી અને અન્ય ૩૬ લોકોની ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લાના બથેડી ગામમાં બે સમુદાય વચ્ચે થયેલી અથડામણમાં સંડોવણી મામલે ધરપકડ કરવામાં આવી હતી. મંગળવારે રાત્રે આ ધરપકડ કરાઈ હતી. બથેટી ગામની અથડામણ મામલે આશરે ૧૦૦થી વધુ અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
બે સમુદાયો વચ્ચેની અથડામણ દરમિયાન એક સમુદાયના લોકોએ બથેટી ગામમાં દલિત સમુદાયના લોકોના આશરે છ જેટલાં ઝૂંપડાને આગચંપી કરી હતી. ઢોર-ઢાંખરને લઈને બે લોકો વચ્ચે થયેલી લડાઈએ આ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યો હતો અને બે સમુદાયના લોકો સામ સામે આવી ગયા હતા. તેના બાદથી વિસ્તારમાં તંગદિલી જોવા મળી રહી છે.
મંગળવારે પોલીસે આ મામલે કુલ ૩૭ લોકોની ધરપકડ કરી લીધી હતી. સ્થાનિક સમાજવાદી પાર્ટી નેતા મોહમ્મદ જાવેદ સિદ્દીકી જે સ્થાનિક સરપંચના પતિ પણ છે. બીજી બાજુ આફતાબ ઉર્ફે હિટલર અને નૂર આલમની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ માહિતી એસપી અશોક કુમારે આપી હતી.
ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોલીસ અધિકારીઓને કડક કાર્યવાહીનો નિર્દેશ આપ્યો હતો અને સાથે જ આરોપીઓ વિરૂદ્ધ એનએસએ તથા ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
જોકે બીજી બાજી યોગી આદિત્યનાથે સરાઈ ખ્વાજા પોલીસ સ્ટેશનના એસએચઓ વિરૂદ્ધ લાપરવાહી દાખવવા બદલ વિભાગીય કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો હતો. તેને પોલીસ લાઈનમાં મોકલી દેવાયો હતો અને એડિશનલ એસપી(ગ્રામીણ)ને આ મામલે ત્વરિત તપાસ હાથ ધરવાનો આદેશ પણ આપ્યો હતો.