(એજન્સી) લખનૌ, તા.૯
યુપી વિધાનસભા અને વિધાન પરિષદના મંગળવારે શરૂ થયેલા બજેટના સંયુક્ત અધિવેશનને સંબોધી રહેલા રાજ્યપાલ રામનાઈક પર વિપક્ષી નેતાઓએ કાગળના ફુગ્ગા અને વિમાનો બનાવી ફેંક્યા હતા.
બજેટ સત્રની શરૂઆતના પ્રારંભે સમાજવાદી પાર્ટીના કેટલાક ધારાસભ્યો ગૃહમાં બટાટાનો હાર પહેરી આવ્યા હતા અને ખેડૂતોની મુશ્કેલીઓ રજૂ કરી હતી. ભારે હંગામા વચ્ચે રાજ્યપાલે સતત ૧ કલાક તેમનું પ્રવચન વાંચ્યું હતું. જેવું રાજ્યપાલે તેમનું પ્રવચન શરૂ કર્યું કે તરત જ લાલ ટોપી ધારી સમાજવાદી પાર્ટીના ધારાસભ્યો, વાદળી શેખી ધારી બસપાના ધારાસભ્યો અને ગાંધી ટોપીમાં સજ્જ કોંગ્રેસના સભ્યોએ ગૃહમાં બેનરો અને પ્લેકાર્ડ સાથે વેલમાં ધસી જઈ દેખાવો અને હંગામો શરૂ કર્યો હતો અને રાજ્યપાલ પાછા જાવના સૂત્રોચ્ચારો પોકાર્યા હતા.
રાજ્યપાલે વિપક્ષોને ટકોર કરી હતી કે તમે સભ્ય સમાજના સભ્યો છો તેથી આવું વર્તન તમને શોભા દેતું નથી. સભ્ય સમાજની વિપરીત તમે વર્તન કરો છો. પાછળથી સ્પીકર હૃદય નારાયણ દીક્ષિતે પણ વિપક્ષોના વર્તનને વખોડી કાઢ્યું હતું. તેમણે વિપક્ષોના ધિક્કારપાત્ર વર્તન છતાં રાજ્યપાલે તેમની બંધારણીય ફરજ નિભાવી હતી. ગૃહમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ ઉપસ્થિત હતા. અખિલેશ યાદવ વિધાન પરિષદના સભ્ય છે. તેઓ વિપક્ષના નેતા રામ ગોવિંદ ચૌધરી નજીક બેઠેલા હતા.
વિપક્ષોએ પ્લેકાર્ડ-બેનરો રાજ્યપાલ સમક્ષ પ્રદર્શિત કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. જેમાં લખ્યું હતું કે નિર્દોષ લોકોના ફર્જી એન્કાઉન્ટર બંધ કરો, મુસ્લિમોનું ઉત્પીડન બંધ કરો, કાસગંજ હિંસામાં નિર્દોષ લોકો પર જુલમ બંધ કરો, કેટલાક બેનરો પર બરેલીના જિલ્લા મેજિસ્ટ્રેટની વિવાદીત ટિપ્પણીનો પણ ઉલ્લેખ હતો. જેમાં કલેક્ટરે કહ્યું હતું કે મુસ્લિમ વિસ્તારોમાં સરઘસો કાઢી પાકિસ્તાન વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવાની એક પ્રથા પડી ગઈ છે. રાજ્યપાલે તેમના પ્રવચનમાં સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે મારી સરકારે કાનૂનનું રાજ સ્થાયી ગુના મુક્ત, ભયમુક્ત, અન્યાય મુક્ત, વાતાવરણ રાજ્યમાં સર્જ્યુ છે. માફિયાઓ અને ગુનેગારો સામે કાનૂન મુજબ અસરકારક પગલાં લેવાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે સરકાર કોમી એખલાસ વધારવા તરફ પ્રયાસો કરી રહી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય એકતા અંખડિતતા અને સામાજિક સુહાર્દ દરેક ધર્મો અને કોમો વચ્ચે સ્થાપવા માટે પ્રયાસો થઈ રહ્યા છે.
તેમણે કહ્યું કે સરકારે ભૂ-માફિયા વિરોધી બિલ રોમિયો વિરોધી બિલ, સામૂહિક ગુનાખોરી વિરોધી બિલ, ગંદી હરકતોવાળા ફોન કરનાર વિરૂદ્ધ બિલ લાવી શાંતિ અને સુરક્ષા સ્થાપિત કરી છે.
આ ઉપરાંત સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં મહિલા બટાલિયનની સ્થાપના કરશે. યુપી ઈન્વેસ્ટર સમિટ ર૧ અને રર ફેબ્રુઆરીએ મળનાર છે. જે સરકારની સિદ્ધિ છે. તેમણે કહ્યું કે પ્રદેશના નાગરિક રામનથ કોવિંદ દેશના રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા છે. જે પ્રદેશ માટે ગૌરવ છે. ભાષણ દરમિયાન વિપક્ષોનો હંગામો ચાલુ રહ્યો હતો. રાજ્યપાલે કહ્યું કે સરકાર ટૂંક સમયમાં મુખ્યમંત્રી ઈરીગેશન ફંડ ઊભું કરશે. તેમાં ર૦ હજાર કરોડ ફાળવી રાજ્યના ખેડૂતોને પાણી અપાશે. બુદેલખંડના સુકાગ્રસ્ત વિસ્તારો માટે અલગ રકમની ફાળવણી કરશે. ફેબ્રુઆરી-૧૬ના રોજ યોગી સરકાર તેનું બજેટ રજૂ કરનાર છે. રાજ્યપાલે કહ્યું કે બજેટમાં સ્વાસ્થ સેવાઓનો વિસ્તાર કરી છેવાડાના આદમી સુધી મેડિકલ સુવિધાઓ પહોંચાડાશે. કોંગ્રેસ નેતા અજયકુમારે રાજ્યપાલના પ્રવચનને જૂઠનો પલીન્દો બતાવ્યું હતું જ્યારે બસપા નેતા લાલજી વર્માએ પ્રવચનને ફારસ ગણાવી ખોદ્યો ડુંગર નિકળ્યો ઉંદર જેવું બતાવ્યું હતું.