એન્કાઉન્ટરમાં ગેંગસ્ટરની હત્યાના
પગલે હવે બ્રાહ્મણો યુપીની રાજનીતિના
કેન્દ્રસ્થાને પરત આવી ગયા છે

(એજન્સી) તા.૨૮
પોતાના ખભે કેસરી ખેસ, કપાળમાં તિલક અને હાથમાં રાઇફલ સાથે નમન પંડિતે ૧૮, ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા પર લડાયક પોઝ આપીને જાહેર કર્યુ હતું કે બ્રાહ્મણોકો બિમા નહીં ચાહીએ, હથિયાર ચાહીએ. નમન પંડિત પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ખુરજા શહેરમાં ગૌરક્ષક સંઘના પદાધિકારી છે.
હિંદુત્વના પાયદળના સૈનિક તરીકે તેમની રાજનીતિ સામાન્ય સંજોગોમાં શાસક ભાજપ સાથે સંકળાયેલ છે પરંતુ હવે તેઓ રોષે ભરાયેલા બ્રાહ્મણોની એક લહેરના ભાગરુપ છે અને તેમનું માનવું છે કે જ્ઞાતિએ ઠાકુર એવા મુખ્ય પ્રધાન આદિત્યનાથના નેતૃત્વમાં ક્ષત્રિય તરફી ભાજપ સરકારનો બ્રાહ્મણો ભોગ બની રહ્યાં છે. બ્રાહ્મણોમાં તેમના હરીફ સવર્ણ જૂથ ક્ષત્રિયો કે ઠાકુરો સામે મહાત થઇ જતાં એક પ્રકારનો આક્રોશ પ્રવર્તે છે. તાજેતરમાં ગેંગસ્ટર વિકાસ દુબેની એન્કાઉન્ટરમાં હત્યાની ઘટનાએ હવે બ્રાહ્મણોએ સરકાર સામે મિજાજ ગુમાવ્યો છે. પોતાની પોસ્ટમાં નમન પંડિતે એવો દાવો કર્યો છે કે ઉ.પ્ર. હવે બ્રહ્મહત્યા પ્રદેશ બની ગયું છે. એક એવું રાજ્ય કે જ્યાં બ્રાહ્મણોની હત્યા કરવામાં આવે છે. હવે જ્યારે ૨૦૨૨માં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય વિપક્ષો આ આક્રોશમાં બળતામાં ઘી હોમી રહ્યાં છે. એટલે સુધી કે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બસપા અને આમ આદમી પાર્ટીએ બ્રાહ્મણ સમુદાયની ઉપેક્ષા બદલ સરકાર પર પ્રહારો કર્યા છે. એક જમાનામાં ૧૯૯૦ સુધી યુપીમાં બ્રાહ્મણોનું શાસન હતું અને બ્રાહ્મણ મુખ્ય પ્રધાનોની લાંબી યાદી હતી, પરંતુ એ જ દાયકામાં પછાત વર્ગ અને દલિત રાજનીતિ સામે આવતાં બ્રાહ્મણોની પીછેહટ જોવા મળી હતી. હવે લાંબા સમય બાદ બ્રાહ્મણો યુપીની રાજનીતિના કેન્દ્રસ્થાને ઊભરી આવ્યાં છે અને ભાજપના બ્રાહ્મણ નેતાઓ પણ આક્રમક છે. ગત સપ્તાહે સુલતાનપુરના વિધાનસભા પરિષદના ભાજપના સભ્ય દેવમણી દ્વિવેદીએ યુપી સરકાર પાસેથી બ્રાહ્મણો અંગે ઘણી માહિતી જાણવા માગી હતી. જેમ કે વર્તમાન શાસનમાં કેટલા બ્રાહ્મણોની હત્યા થઇ, કેટલા હત્યારાઓ ઝડપાયા, બ્રાહ્મણો માટે સુરક્ષાનું આયોજન શું છે. શું સરકાર તેમને અગ્રીમતાના ધોરણે શસ્ત્રોનું લાયસન્સ આપશે. આમ યુપીમાં બ્રાહ્મણોએ શસ્ત્રો માગતાં હવે વિપક્ષો આદિત્યનાથ સરકાર પર જલદ પ્રહારો શરૂ કર્યા છે.