(એજન્સી) લખનઉ, તા. ૩૧
ઉત્તરપ્રદેશના બુલંદશહરમાં ક્લાસરૂમમાં બેસવાની સામાન્ય બોલાચાલીમાં ૧૦મા ધોરણના વિદ્યાર્થીએ પોતાના સહાધ્યાયીને જ માથામાં ત્રણ ગોળી ધરબી મોતને ઘાટ ઉતારવાનો મામલો સામે આવ્યો છે. આમ ઉત્તરપ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી ઠોકો રાજ અંતર્ગત યોગી આદિત્યનાથની ભાજપ સરકારમાં અનેક લોકોને ઠાર કરાયા છે તથા કોમી વૈમનસ્ય વધારવા માટે લવ જિહાદ જેવા કાયદાઓ લવાયા છે. ત્યારે હવે રાજ્યમાં બાળકો પણ ભણવાની ઉંમરે હિંસા પર ઉતરી આવ્યા છે. પોલીસ અનુસાર ૧૪ વર્ષના બંને વિદ્યાર્થીઓ વચ્ચે બેસવા માટે બુધવારે બોલાચાલી થઇ હતી. તેમાંથી ગુસ્સે ભરાયેલા એક વિદ્યાર્થીએ પોતાના કાકાની પિસ્તોલ સ્કૂલમાં લઇ આવ્યો હતો અને બીજા વિદ્યાર્થીને માથામાં ગોળીઓ મારી દીધી હતી.
પોલીસ અધિકારી સંતોષ કુમાર સિંહે કહ્યું હતું કે, બંને વિદ્યાર્થીઓએ બુધવાર બેસવા માટે ઝઘડો કર્યો હતો. આરોપી ત્યારે ઘરે ગયો હતો અને આર્મીમાં ફરજ બજાવતા અને હાલ રજા પર ઘરે આવેલા પોતાના કાકાની લાયસન્સવાળી પિસ્તોલ ચોરીને લઇ આવ્યો હતો. ગુરૂવારે તે પિસ્તોલ લાવ્યા બાદ બીજા વિદ્યાર્થીને ગોળી મારી દીધી હતી. તેને ઘટનાસ્થળેથી જ પકડી લેવાયો હતો. પોલીસને તેની બેગમાંથી અન્ય દેશી તમંચો મળી આવ્યો છે જેનાથી જાણવા મળે છે કે, ગોળીબાર કરવા માટે કેટલો ઉત્સાહી હતો. આ ઘટના સવારના બે તાસ પુરા થયા પછી ૧૧ વાગે બની હતી. આરોપીએ પીડિતને માથા, છાતી અને પેટમાં એમ ત્રણ ગોળી મારી હતી. પીડિત ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. ગોળીબાર પછી આરોપીએ ઘટના સ્થળેથી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. તે સ્કૂલના પ્રથમ માળ પર ગયો હતો અને પોતાને કોઇ ના પકડે તે માટે હવામાં ગોળીબાર કર્યો હતો. જોકે, કેટલાક શિક્ષકોએ હિંમત દાખવીતેની પાસેથી બંદૂક ઝૂંટવી લીધી હતી. તેમ છતાં છોકરાએ ધમપછાડા કર્યા હતા. શિક્ષકોએ બાદમાં પોલીસને જાણ કરી હતી.