(એજન્સી) લખનૌ, તા.૯
ઉત્તરપ્રદેશ કોંગ્રેસ કમિટીએ કોરોના મહામારીમાં સામાન્ય લોકોની મદદ માટે યુપી મિત્ર નામનું ચેટ પોર્ટલ લોન્ચ કર્યું છે. તેના દ્વારા લોકોની સમસ્યાને જાણી તેનું સમાધાન શોધવામાં આવશે. કોંગ્રેસ રાજ્ય અધ્યક્ષ અજયકુમાર લલ્લુએ જણાવ્યું કે, ચેટ પોર્ટલ દ્વારા સામાન્ય લોકોની સમસ્યાઓને સુચિબદ્ધ કરવામાં આવશે અને ઉત્તરપ્રદેશ કોંગ્રેસ કમિટી ફરિયાદકર્તાઓની મદદ કરશે સાથે જ આ સમસ્યાઓની યાદી મુખ્યમંત્રીને મોકલવામાં આવશે. જેથી સરકાર પણ મુશ્કેલીમાં ફસાયેલા લોકોની મદદ કરી શકે. તેમણે જણાવ્યું કે, સંપૂર્ણ રાજ્યમાં અનેક સ્થળોએ રસોડા ચલાવવામાં આવી રહ્યા છે. ગાઝિયાબાદ, હાપુલ, કાનપુર, અલ્હાબાદ, લખીમપુરખીરી, લખનૌ સહિત ૧૭ જિલ્લામાં બનેલું ભોજન જરૂરતમંદો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. રાજ્યની બહાર જે મજૂર ફસાયા છે. ત્યાં પણ મદદ પહોંચાડવામાં આવી રહી છે. અજયકુમાર લલ્લુએ જણાવ્યું કે, લોકો સુધી ચેટ પોર્ટલની લિંક tingurl.com/upmitra સોશિયલ મીડિયા મેસેજ અને અન્ય સંચાર માધ્યમોથી પ્રચારિત કરવામાં આવશે. જેથી લોકોની સમસ્યાઓને ઓળખી શકાય અને મદદ કરી શકાય. તમને જણાવી દઈએ કે આ પોર્ટલને વેલ્યુફસ્ટ નામની એજન્સીએ તૈયાર કરી છે. વેલ્યુ ફસ્ટે કોંગ્રેસ પાર્ટીને આ સેવા મફત આપી છે. યુપી કોંગ્રેસે તે માટે ટેકનોલોજી પાર્ટનર વેલ્યુ ફર્સ્ટનો આભાર વ્યક્ત કર્યો છે.