(એજન્સી) તા.૧૯
જ્યારે ઉત્તરપ્રદેશ, તામિલનાડુ અને કેટલાક અન્ય રાજ્યોની કોર્ટો વિદેશી તબ્લીગીઓ સામે ફોરેનર્સ એકટ હેઠળ કરવામાં આવેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવી તેમને મુક્ત કરવાના આદેશો આપી રહી છે અને રાજ્ય સરકારોને તેમને તેમના દેશમાં જવાની પરવાનગી આપવાના નિર્દેશો આપી રહી છે ત્યારે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ આપી મલેશિયાના ૧ર૧ તબ્લીગી મુસ્લિમો સામે દાખલ કરવામાં આવેલા કેસની ટ્રાયલ ઝડપી બનાવવા કહ્યું હતું અને તે માટે એક વિશેષ કોર્ટ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું હતું. આ ૧ર૧ તબ્લીગી મલેશિયનો પર વીઝાના નિયમો તેમજ કોવિડ-૧૯ માર્ગદર્શિકાનો ભંગ કરી હઝરત નિઝામુદ્દીન મરકઝના કાર્યક્રમમાં હાજરી આપવાનો આક્ષેપ છે. હાલમાં આ ૧રપ મલેશિયનો મલેશિયાના દૂતાવાસની દેખરેખમાં છે. તેમના કેસમાં ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટે મલેશિયન નાગરિક ફદરૂલ નઈમ બાયન મોહમ્મદ નુર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સંદર્ભે આ નોટિસ આપી હતી. આ કેસની ચાર્જશીટમાં ૧૧ સઉદીના નાગરિકોના પણ નામ છે. તેમણે પણ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી તેમના કેસોની રોજીંદી સુનાવણી કરવાની માંગણી કરી હતી.