(એજન્સી) લખનૌ, તા.૧૪
યુપીમાં ફૂલપુર અને ગોરખપુર લોકસભાની પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની જીત બાદ આગામી ર૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં વિપક્ષો પર છવાઈ રહેવાની ભાજપની ક્ષમતા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. ર૦૧૭માં યુપીમાં બસપા દ્વારા માત્ર ૧૯ બેઠકો મળ્યા બાદ તેમજ ર૦૧૪માં લોકસભાની એક પણ બેઠક જીતી ન શકનાર બસપા માટે રાજકીય પંડિતોએ બસપાની યુપીમાં પતનના લેખ લખવા તૈયાર હતા. પરંતુ સોશિયલ એન્જિનિયરીંગ માસ્ટર માયાવતીએ ભાજપને પરાસ્ત કરી તેમની તાકાતના દર્શન કરાવ્યા. પેટાચૂંટણીઓએ પુરવાર કર્યું છે કે યુપીમાં માયાવતી એક મોટી તાકાત રહી છે. બસપાના વોટ સપામાં જશે તેની અપેક્ષા ન હતી. પરંતુ સપામાં ગયા. યુપીના નાયબ મુખ્યમંત્રી કે.પી. મૌર્યએ કહ્યું કે બસપા-સપા-કોંગ્રેસ આગામી ચૂંટણીમાં ગઠબંધન કરે તેવી સ્થિતિમાં તેનો સામનો કરવા માટે અમે વ્યુહરચના ઘડી કાઢીશું. વાસ્તવમાં માયાવતીએ ભાજપને ઉગતો ઝડપ્યો છે. માયાવતીએ તેમની ટીમને પેટા ચૂંટણીમાં નિરીક્ષણ માટે સાંસદ અશોક સિદ્ધાર્થના અધ્યક્ષપદે મોકલી હતી. બસપાના કાર્યકરોને ભારપૂર્વક સપા તરફી કામ કરવા આગ્રહ કરાયો હતો. રપ વર્ષ પછી સપા-બસપા એક ઝંડા નીચે પ્રચારમાં જોડાયા હતા.