(એજન્સી) તા.ર૬
ભાજપના ધારાસભ્ય રોશનલાલ વર્માએ તેમના પુત્ર પર દુરાચારના આરોપો સાથે જ ખુદ પર જમીન કબજે કરવાના આરોપોને જૂઠાં ગણાવતાં શુક્રવારે કહ્યું હતુંં કે તે જૂઠા આરોપોને કારણે એટલી હદે ભાંગી પડ્યા છે કે તેમનું મન આપઘાત કરી લેવાનું થાય છે. તિલહર ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય વર્માએ કહ્યું કે સમાજવાદી પાર્ટીના લોકો તેમના પર રાજનીતિ કરીને ખોટા આરોપો લગાવી રહ્યાં છે અને આરોપ લગાવનારા તેમને આત્મદાહ કરી લેવાની ધમકી પણ આપી રહ્યાં છે. આ જૂઠા આરોપોને કારણે અમને માનસિક રુપે હેરાન કરાઇ રહ્યાં છે જેનાથી ક્યાંકને ક્યાંક જનતાને જ નુકસાન થઈ રહ્યું છે. ધારાસભ્ય કહે છે કે ત્રણ વખતથી ધારાસભ્ય હોવાને કારણે છબિ ખરડાવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. વર્માએ દાવો કર્યો કે તેમણે જિલ્લાધિકારી અને પોલીસ અધિક્ષક પાસે તપાસ કરાવવા માટે પણ કહ્યું છે. નિગોહી ક્ષેત્રની ર૮ વર્ષીય મહિલાએ ર૦૧૧માં આરોપ મૂક્યો હતો કે ધારાસભ્યના પુત્ર મનોજ વર્માએ તેનું અપહરણ કરીને તેને બંધક બનાવી લીધા બાદ તેના પર દુષ્કર્મ આચર્યું હતુંં. આરોપ મુજબ જે ગાડીથી અપહરણ કરાયું હતુંં તેમાં ધારાસભ્ય પણ બેઠા હતા. આ કેસમાં સીબીસીઆઇડીએ ધારાસભ્ય તથા તેમના પુત્રને ક્લીનચીટ આપી હતી જ્યારે પીડિત પરિવાર સતત ન્યાય માટે લડતો રહ્યો. પરિણામે આ કેસની તપાસ નવેસરથી શરુ કરી દેવામાં આવી છે. પીડિતા સતત ધારાસભ્ય અને તેના પુત્રની ધરપકડની માગણી કરી રહી છે. પીડિતાએ ર૧ મેના રોજ આત્મવિલોપન કરવાની ધમકી પણ આપી છે. પરંતુ તંત્રએ મહામહેનતે આ સ્થિતિને ટાળી અને પીડિતાથી દસ દિવસનો સમય માગી લીધો. હવે આરોપીની ધરપકડ ન થતાં પીડિતાએ ત્રણ જૂને આત્મવિલોપનની ધમકી આપી છે.