(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૧
યુપીના રોકાણકાર સંમેલનમાં પીએમ મોદીએ કહ્યું કે યુપીમાં લાલ ફિતાશાહીનો સામનો કરી રહેલા રોકાણકારોનું લાલ જાજમ પર સ્વાગત છે. રોકાણકાર સંમેલનમાં ૮૮,૦૦૦ કરોડના રોકાણના સમજૂતી કરારો થયાં છે. મોદીએ કહ્યું કે સંમલન પહેલા કરવામાં આવેલી ૪.૨૮ લાખના રોકાણ સંબંધિત તમામ એમઓયુમને રાજ્યની યોગી આદિત્યનાથ સરકાર લાગુ પાડશે તેવી મને પાક્કી ખાતરી છે. ખુદ મુખ્યમંત્રીએ જાતે તમામ સમજૂતી કરારોને અમલી બનાવવાનું વચન આપ્યું છે. હવે લોકોને વધારે રોજગારી મળી રહેશે. મને ખાતરી છે કે યુપી રોકાણકાર સંમેલન યુપીમાં રોકાણ માટે નવા દ્વારા ખોલી આપશે. મોદીએ કહ્યું, જ્યારે જ્યારે બદલાવ થાય છે ત્યારે ત્યારે તે દ્રશ્યમાન થાય છે. રાજ્યમાં વહેલો ફેરફાર લાવવા બદલ હું મુખ્યમંત્રી આદિત્યનાથ, તેમના મંત્રીઓ, અમલદારો, પોલીસ અને રાજ્યના લોકોનો આભાર માનું છું. ઉદ્યોગો માટે લાલ જાજમ બીછાવવામાં આવશે. મેં પહેલા પણ કહ્યું છે કે નીતિ, આયોજન અને કામગીરી દ્વારા પ્રગતિ થાય છે અને હવે યોગી સરકાર સર્વશ્રેષ્ઠ કામગીરી કરવા તૈયાર છે. બે દિવસ પહેલા મેં મહારાષ્ટ્રમાં આવા જ એક સંમેલનમાં ભાગ લીધો હતો, આ રાજ્યે ટ્રિલિયન ડોલર ઈકોનોમી બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. શું ટ્રિલિયન ડોલર ઈકોનોમી બનવા માટે મહારાષ્ટ્ર અને યુપી એકબીજા સાથે સ્પર્ધા કરી શકે. શું યુપી સરકાર બીજા રાજ્યો સાથે સ્પર્ધા કરી શકે.જેટલી સ્પર્ધા વધારે થશે તેટલું રોકાણ વધારે આવશે. આનાથી વધારે રોજગાર પેદા થશે. રાજ્યની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યને નકારાત્મકતામાંથી સકારાત્મકતા તરફ લઈ ગઈ છે અને લોકોમાં આશાનો સંચાર કર્યો છે. નવા યુપીનો પાયો નખાયો છે.મોદીએ ઉમેર્યું કે આપણે સંરક્ષણ સેક્ટરમાં ૨૦,૦૦૦ કરોડના રોકાણની આશા રાખીને બેઠા છીએ. મોદીએ યુપીમાં કારોબારના સરળીકરણ માટે ઉદ્યોગ સાહસિક એપ્લિકેશન નિવેશમિત્રનો પ્રારંભ કર્યો.