(એજન્સી) નવી દિલ્હી, તા. ૧
મુસ્લિમ ધર્મગુરૂ સૈયદ મુફ્તિ મુકર્રમે હિંદુઓના નાશ કરાયેલા મંદિરોને બદલે મસ્જિદો સોંપી દેવાના વિવાદાસ્પદ નિવેદન બદલ શિયા વકફ બોર્ડના ચેરમેન વસીમ રીઝવી પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, આવું નિવેદન એ જ વ્યક્તિ કરી શકે જેણે પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું હોય. મુકર્રમે હિંદુ મુસ્લિમ એકતાની વાત કરતા લોકોને દરેક ધર્મને સન્માન આપવાની અપીલ કરી હતી. મુફ્તિ મુકર્રમે કહ્યું હતું કે, આ આપણા બંધારણ અને દેશની નીતિઓ વિરૂદ્ધની વાત છે. આવું નિવેદન કરનારા વ્યક્તિએ માનસિક સંતુલન ગુમાવી દીધું છે. તેમણે કહ્યું હતું કે, માનવતા સૌથી ઉપર છે અને રીઝવી દ્વારા કરાયેલા આવા નિવેદનને ધ્યાને લેવા જોઇએ નહીં. રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં શ્રી શ્રી રવિશંકરની મધ્યસ્થીની વાત કરતા તેમણે જણાવ્યંુ હતું કે, આ બાબતને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર છોડી દેવું સારૂ છે. બુધવારે રીઝવીએ વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, નાશ કરાયેલા મંદિરો પર બનાવાયેલી મસ્જિદોને હિંદુઓને પરત સોંપી દેવી જોઇએ. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડને લખેલા પત્રમાં તેમણે જણાવ્યં હતું કે, મુસ્લિમોએ અયોધ્યામાં રામ મંદિર સહિતના નવ મંદિરોના સ્થાને બનેલી મસ્જિદો સોંપી દેવી જોઇએ. રીઝવીએ એમ પણ કહ્યું હતું કે, ઇસ્લામિક કાયદા પ્રમાણે અન્ય વિવાદાસ્પદ ધર્મસ્થાનોને નાશ કરીને કબજે કરાયેલી જગ્યા પરની મસ્જિદ ગેરકાયદે કહેવાય. આ પત્રમાં દેશમાં રહેલા નવ વિવાદાસ્પદ સ્થળોના નામ અપાયા હતા. અયોધ્યામાં આવેલી બાબરી મસ્જિદ ઉપરાંત પત્રમાં મથુરામાં કેશવદેવ મંદિર, વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર,જોનપુરનું અટલદેવ મંદિર, ગુજરાતના બટનામાં રૂદ્રમહાલય મંદિર, અમદાવાદનું ભદ્રકાળી મંદિર, મધ્યપ્રદેશના વિદિશાનું વિજય મંદિર અને દિલ્હીના કુતુબ મિનાર કુવુતુલ ઇસ્લામ મસ્જિદનો સમાવેશ થાય છે.