(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં હિન્દુઓનું ટોળું એક સિખ યુવક પર હુમલો કરીને તેના માથાના વાળ ખેંચી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યાં છે.
આ ઘટના ગત ૧૪ જૂને ઉત્તરપ્રદેશના બુલંદશહર જિલ્લામાં આવેલા શેરપુર ગામમાં ઘટી હતી. તેમ સૂત્રોએ જણાવ્યું છે.
આ ઘટના ૧૪ જૂનના રોજ ત્યારે ઘટી હતી, કે જ્યારે બે સિખ યુવકો શેરપુર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ સમય દરમિયાન તેમની ગાડી અચાનક બીજા યુવકની કારને અથડાઈ ગઈ હતી, કે જે યુવક શેરપુર ગામનો જ રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ, બંને પક્ષો વચ્ચે ભારે દલીલો થઈ હતી, ત્યારબાદ ગામના સ્થાનિક યુવકે તેના સંબંધીઓને બોલાવ્યા હતા અને તેમણે આ સિખ યુવકો પર હુમલો કર્યો હતો. આ હિન્દુ ટોળાના હુમલાથી પોતાનો જીવ બચાવવા માટે સિખ યુવકોમાંના એકે તેની કિરપાણ કાઢી હતી, પરંતુ ત્યાં સુધીમાં સ્થાનિકોએ પોલીસને બોલાવી લીધી હતી. જ્યારે પોલીસકર્મીઓ ત્યાં પહોંચ્યા, ત્યારે અન્ય એક સિખ યુવકે આ ઝઘડાને વાતચીતના માધ્યમથી ઉકેલવાનું જણાવ્યું. પરંતુ, ગ્રામજનોએ પોલીસની હાજરીમાં જ તેના પર હુમલો કર્યો. હુમલાખોરોએ તેની પાઘડી કાઢી તેને નજીકની ખુલ્લી ગટરમાં ફેંકી દીધી હતી. તેઓએ આ હુમલા દરમિયાન સિખ યુવકના વાળ પણ ખેંચ્યા હતા.
આ ઘટના બાદ નજીકના વિસ્તારોમાં રહેતા સિખ સમુદાયમાં આક્રોશ ફેલાઈ ગયો હતો. તેથી ૧૫ જૂને ગજરૌલા અને ધનૌરાના સ્થાનિક સિખોએ હુમલો કરનારા ગ્રામજનો વિરૂદ્ધ કાર્યવાહીની માંગણી કરતાં સ્થાનિક પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યુ હતું.