(એજન્સી) લખનૌ, તા.૮
ઉત્તરપ્રદેશ સરકારે કાયદામાં સુધારો કરી ડૉક્ટરો, પેરામેડિકલ કર્મચારીઓ, પોલીસ કર્મીઓ અને સફાઈ કામદારો જેવા કોરોના યોદ્ધાઓ પર હુમલો કરનારા લોકોને રૂા.પ લાખનો દંડ અને સાત વર્ષ સુધીની સજા ફટકારવાની જોગવાઈ કરી હતી. બુધવારે યોગી આદિત્યનાથના કેબિનેટે એપિડેમિક ડિસિઝ એકટ ૧૮૯૭માં સુધારાને મંજૂરી આપી હતી. આ પહેલાં કેન્દ્ર સરકારે પણ સ્વાસ્થ્ય કર્મીઓની સુરક્ષા માટે વટહુકમ બહાર પાડયો હતો. રાજ્ય સરકારના પ્રવકતાએ કહ્યું હતું કે, આ સુધારેલા કાયદાને વહેલામાં વહેલી તકે લાગુ કરવામાં આવશે. એનો અર્થ એ છે કે કોરોના યોદ્ધાઓનું અપમાન કરનારા અને તેમના પર હુમલો કરનારા લોકોને સખ્ત સજા ફટકારવામાં આવશે. કોરોના યોદ્ધાઓ પર થૂંકવાના કૃત્યને પણ આ કાયદા હેઠળ ગુનો ગણવામાં આવશે. આ ઉપરાંત આ મહામારીને ધ્યાનમાં રાખી ક્વોરન્ટાઈનનો ઉલ્લંઘન કરવા બદલ તેમજ હોસ્પિટલમાંથી ભાગવા બદલ ૧થી ૩ વર્ષની સજા અને રૂા.૧૦ હજારથી રૂા.૧ લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. આ કાયદામાં લોકડાઉનનો ભંગ કરનારા લોકો સામે પણ કડક કાર્યવાહીની જોગવાઈ છે.