(એજન્સી)   લખનઉ, તા.૨૬

ઉત્તરપ્રદેશ સરકારે અસામાજિક તત્વો કાયદો અને વ્યવસ્થા તથા કોમી સૌહાર્દને બગાડી શકે તેવી આશંકાએ ૩૦મી સપ્ટેમ્બર સુધી તમામ ધાર્મિક કાર્યક્રમો તથા રાજકીય મેળાવડા સહિતના તમામ જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મુક્યો છે. આ સમય દરમિયાન મોહર્રમનો કાર્યક્રમ પણ આવે છે. દુનિયાભરમાં મોહર્રમ મહિનામાં હઝરત ઇમામ હુસૈન (રદી.)ની શહીદીનો શોક મનાવાય છે. મોહર્રમના યૌમે આશુરા એટલે કે ૧૦મા ચાંદને શોકના સૌથી મોટા દિવસ તરીકે મનાવાય છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અવનિશ કુમાર અવસ્થીએ કહ્યું હતું કે, આ વર્ષે તાજિયા જાહેરમાં રાખવાની પરવાનગી અપાઇ નથી. ગણેશની મૂર્તિઓ પણ જાહેરમાં રાખવા પર પ્રતિબંધ છે અને કોઇ કાર્યક્રમને મંજૂરી અપાઇ નથી. જોકે, ઘરે તાજિયા તથા ગણેશની મૂર્તિઓ રાખવા પર કોઇ પ્રતિબંધ નથી. આ પ્રતિબંધ એ માટે રાખવામાં આવ્યો છે કારણ કે, કાયદો અને વ્યવસ્થા તથા કોમી સૌહાર્દ બગાડવાના અસામાજિક તત્વો દ્વારા પ્રયાસ થવાનો ડર છે. તમામ જિલ્લા અધિકારીઓ પોલીસ પ્રમુખોને આ સંદેશ અપાયો છે ઉપરાંત પોલીસ કમિશનરો, એડીજી ઝોન, આઇજી, ડીઆઇજી રેન્જના અધિકારીઓને પણ સંદેશ મોકલાયો છે. તેમને રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો પર સુરક્ષા વધારવા કહી દેવાયું છે જેમાં કૃષ્ણ જન્મભૂમિ મથુરા, તિર્થભૂમિ અયોધ્યા, વારાણસીનું મંદિર અને ઐતિહાસિક તાજ મહલની સુરક્ષા વધારવાનું કહેવાયું છે. રાજ્યમાં અસામાજિક તત્વો પર નજર રાખવા પણ નિર્દેશ અપાયો છે.