(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૩
ખેડૂતોને સસ્તા ભાવે મળવા પાત્ર જીએસએફસી અને ક્રિભકોનું યુરિયા ખાતર ટેકનોગ્રેડ કંપનીનાં નામે પેકીંગ કરીને કેમીકલ કંપનીઓમાં ઉંચા ભાવે વેચી મારવાનું કૌભાંડ શહેર એસઓજી પોલીસે ઝડપી પાડયું છે. પોલીસે રૂા.૧૮.૧૨ લાખનાં મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેર પોલીસ કમિશ્નર મનોજ શશીધરે માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેર એસઓજીને હાલોલનાં રહેવાસી રીઝવાન ઇકબાલભાઇ મન્સુરીએ શહેર નજીક ગોલ્ડન ચોકડી પાસે આવેલા મારૂતિ એસ્ટેટમાં પ્લોટ નં.૧૫માં એક ગોડાઉન ભાડે રાખ્યું છે. તે ખેડૂતોને ખાતર પુરૂ પાડતી મંડળીઓમાંથી વધુ ભાવ ચુકવી યુરિયા ખરીદી સગ્રહ કરે છે. આ ખાતર ટેકનોગ્રેડ કંપનીનાં નામે ફરીથી પેકીંગ કરી પોતાનું કમિશન ચઢાવીને કેમીકલ કંપનીઓમાં વેચે છે તેવી માહિતી મળી હતી. આ માહિતીને આધારે એસઓજીએ ગોડાઉન પર દરોડો પાડી છેલ્લાં ૨ માસથી ચાલતા યુરિયા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. શશીધરે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ખેડૂતોને ૫૦ કિલો જીએસએફસીનું સબસીડીવાળુ યુરિયા રૂા.૬૩૫.૧૦ નાં ભાવે અને ક્રિભકોનું યુરિયા રૂા.૨૯૫ના ભાવે આપવામાં આવે છે. ખેડૂતોને આ ખાતર સરકારનિયુકત મંડળીઓ દ્વારા આપવામાં આવે છે. પરંતુ આ સબસીડી યુકત ખાતરનો જથ્થો હાલોલનો રીઝવાન મન્સુરી ગોધરા, પોલન બજાર ખાતે રહેતાં અને સબસીડીયુકત ખાતર વેચવાની મંડળી ધરાવતા તાહીર સિદ્દીકભાઇ ભાગરીયા પાસેથી સરકારી ભાવ કરતાં વધુ રૂપિયા ૧૦ ચુકવીને ખરીદી કરતો હતો.
એસઓજીનાં પો.ઇ.એચ.એમ. ચૌહાણે જણાવ્યું હતું કે, આ કૌભાંડના સુત્રોચ્ચાર રીઝવાન મન્સુરી, તાહીર ભાગરીયા અને ગોડાઉનમાં યુરિયા ખાલી કરવા માટે આવેલ ઇસાક અહેમદ મામજી (રહે. નવાબજાર, ગોધરા)ની ધરપકડ કરવામાં આવી છે.
યુરિયા ખાતર ટેકનોગ્રેડ કંપનીના નામે પેકિંગ કરી ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ

Recent Comments