(એજન્સી) એમ્સ્ટરડેમ, તા.૧૮
નેધરલેન્ડ સહિત યુરોપના દેશો પર શક્તિશાળી બરફનું તોફાન ત્રાટકતા નેધરલેન્ડના એમ્સ્ટરડેમ શહેરમાં હવાઈ મથકે ઉડ્ડયન સેવાઓ રદ કરાઈ હતી. તેમજ ડચ રેલવે સેવાઓ પણ અટકાવી દેવાઈ હતી. શીફોલ એરપોર્ટ કે જે વિશ્વનું સૌથી વ્યસ્ત હવાઈ મથક છે ત્યાં પુનઃ હવાઈ સેવાઓ મોડેથી શરૂ થવાની ધારણા છે જેની હજુ જાહેરાતની રાહ જોવાય છે. વહીવટી તંત્રએ અગમચેતીના ભાગરૂપે ર૦૦ ઉડ્ડયનો રદ કર્યા હતા. જ્યારે હેગનું રેલવે સ્ટેશન પણ બંધ કર્યું હતું.
ભારે બરફવર્ષાથી જર્મનીમાં શાળાઓ બંધ કરાઈ હતી. લોકોને ઘરોમાં જ રહેવા સૂચના અપાઈ છે. રોમાનીયામાં ભારે પવન અને બરફના તોફાનથી સરકારને અડધો ડઝન શાળાઓ બંધ કરવાની ફરજ પડી હતી.
બરફના ભારે તોફાનથી યુરોપના ૧૩ દેશોના ૩ર હજાર લોકો વિજળી વગર રહ્યા હતા.
બ્રિટનમાં બરફના તોફાનની ગતિ ૧૧૦ કિ.મી. નોંધાઈ હતી. દક્ષિણ ઈગ્લેન્ડમાં વીજળી ગુલ હતી. ઘણી ટ્રેનો મોડી પડી હતી. તેમજ વીજળીના તાર અને ઝાડ તૂટી પડ્યા હતા.
અગાઉ પશ્ચિમ યુરોપમાં બરફના તોફાનમાં ૩ લોકોના મોતના અહેવાલ છે. જે તોફાનનું નામ ઓસ્ટ્રીયામાં બર્ગલીન્ડ રખાયું હતું.