(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૫
સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવ્યા પછી સબંધ રાખવા સતત મજબૂર કરનાર હનુમાન નામના વિકૃત યુવકના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ આખરે મોતને વહાલું કરી લેતાં સમગ્ર વિસ્તારમાં હનુમાન સામે તીવ્ર રોષ ફાટી નિકળ્યો છે. નિર્દોષ પરિણીતાના આપઘાત પછી ક્રોધિત લોકોનો મિજાજ જોઈને પોલીસે ત્વરિત ધોરણે હનુમાનની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
ખટોદરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી હનુમાન મોહન સુથાર નામનો યુવક ફરિયાદીની બહેનને ઈન્સ્ટાગ્રામ ઉપર મેસેજ મોકલી સંબંધ રાખવા વારંવાર ત્રાસ ગુજારતો હતો. ફરિયાદીની બહેન વાત કરવા માંગતી ન હોવા છતાં બદનામ કરવાની ધમકી આપી આરોપી હનુમાન પાછળ પડ્યો હતો. જેથી ત્રાસીને ફરિયાદીની બહેને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરવા મજબૂર કરી હતી. પરિણીતાની લાશ મળી આવ્યા પછી સમગ્ર વિસ્તારમાં હનુમાન સામે રોષ ફાટી નિકળ્યો હતો અને લોકટોળાએ ભેગા થઈને હનુમાન સામે સખત કાર્યવાહી કરવા માગણી કરતા પોલીસે ત્વરિત ધોરણે હનુમાનની ધરપકડ કરી લીધી હતી. ભગવાન રામના પરમ ભક્તનું નામ ધરાવતા વિકૃત યુવાનની હરકતથી હિન્દુ સમાજમાં ભારે રોષની લાગણી ફેલાયેલી છે. પરિણીતાના મોત માટે જવાબદાર હનુમાન સામે ગુનો દાખલ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.