રાજકોટ,તા.૧૧
રાજકોટ શહેરના રેલનગર અવધ પાર્કમાં રહેતાં એક શખ્સે સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કર્યું હતું. બે વર્ષ સુધી લગ્નની વાતો કર્યા બાદ સગાઇની વાત નક્કી કરી અને છેલ્લે સગાઇની ના પાડી બીજી કોઇ છોકરી સાથે સગાઇ કરી લેતાં અને તેના માતા-પિતાએ પણ સગાઇની વાત કરી હોવા છતાં દિકરાનું બીજે સગપણ કરાવી મદદગારી કરતાં મહિલા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
પોલીસે ભોગ બનનાર ૧૭ વર્ષ ૧૧ માસની વય ધરાવતી સગીરાના દાદીમાની ફરિયાદ પરથી રેલનગર અવધ પાર્કમાં રહેતાં ચિરાગ બકુલભાઇ જેઠવા તેના પિતા બકુલભાઇ ગીરધરભાઇ જેઠવા, માતા વિજયાબેન બકુલભાઇ જેઠવા સામે આઇપીસી ૩૭૬ (૨), એન, ૩૨૩, ૪૦૬, ૧૧૪, પોક્સો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે ફરિયાદીની પૌત્રી સાથે આરોપી ચિરાગ છેલ્લા બે વર્ષથી લગ્ન કરવાની વાતો કરતો હતો. એ રીતે તેણે લાલચ આપી અવાર-નવાર દુષ્કર્મ આચરી લીધું હતું. ૨૧ ઓક્ટોબરના રોજ ચિરાગે મળવા બોલાવ્યા બાદ ગાળો દઇ મારકૂટ કરી હતી. એ પછી સમાધાનના ભાગરૂપે ચિરાગના માતા-પિતાએ સગાઇ કરાવી દેશે તેવી વાત કરી હતી.પરંતુ ત્યારબાદ ચિરાગની સગાઇ બીજી છોકરી સાથે કરાવી નાંખી વિશ્વાસઘાત-છેતરપીંડી કરી હતી. ભોગગ્રસ્તની ફરિયાદ પરથી પોલીસે સંજય સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે ભોગ બનનાર સગીરાને પણ તબીબી ચકાસણી અર્થે જી.જી. હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવી હતી. પોલીસે આરોપી શખ્સને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.