(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૩
શહેરના વેડરોડ હરીઓમ મિલની પાછળ નિલકંઠ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એમ્બ્રોડરીના ખાતામાં નોકરી કરતા એક યુવક પર ચાર અજાણ્યા શખ્સોએ લાકડાના ફટકા વડે હુમલો કરી મારમારી રૂા.૫ હજારનો મોબાઇલ અને ઓરીજનલ ડોક્યુમેન્ટવાળુ પાકીટ લૂંટીને ભાગી છૂટ્યા હતા.
મૂળ યુપી હમીરપુર જિલ્લાના મહુધા તાલુકાના બકછા ગામનો વતની અને હાલ વેડરોડ પંડોળ રહેમત નગરમાં રહેતો ૨૫ વર્ષીય શ્યામબાબુ ગુતમભાઇ વર્મા વેડરોડ હરીઓમ મિલની પાછળ નિલકંઠ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં એમ્બ્રોડરીના ખાતામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તા.૨૨મી જુલાઇના રોજ શ્યામબાબુની નાઇટ પાળી હોવાથી કામ કરી રહ્યા હતા. તે દરમ્યાન સવારના પાંચ વાગ્યાના અરસામાં શ્યામબાબુ ચા પીવા માટે આપેલ પાન સેન્ટર તથા ટી સ્ટોલ પાસે ઊભા હતા. તે વખતે અજાણ્યા ચાર શખ્સો તેમની પાસે આવ્યા હતા. ત્યારબાદ બિભત્સ ગાળો આપી લાકડાના ફટકા અને એમ્બ્રોડરીના પટ્ટા વડે મારમારી ખિસ્સામાંથી રૂા.૫ હજારનો મોબાઇલ ફોન અને પાન કાર્ડ, વોટીંગ કાર્ડ અને આધાર કાર્ડ મૂકેલુ પાકીટ લૂંટી લીધુ હતું. ત્યારબાદ એકે શ્યામબાબુને ચાકુના ઘા મારી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત શ્યામબાબુને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવ સંદર્ભે ચોકબજાર પોલીસ દોડી આવી હતી. પોલીસે શ્યામબાબુની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.