અમદાવાદ,તા. ૯
શહેરના એસ.પી.રિંગ રોડ પર સનાથલ રોડ પર બાવળની ઝાડીઓમાંથી ગઇકાલે આશરે ૨૦ વર્ષના આશરાની યુવતીની અર્ધબળેલી હાલતમાં મળી આવેલી લાશના ચકચારભર્યા પ્રકરણમાં પોલીસે હાથ ધરેલી તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે, યુવતીની ગળુ દબાવી પહેલા હત્યા કરાઇ હતી અને બાદમાં તેની લાશને સળગાવી દેવાનો પ્રયાસ થયો છે. ચાંગોદર પોલીસે આ સમગ્ર પ્રકરણમાં અજાણ્યા હત્યારા વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, શહેરના એસ.પી.રિંગ રોડ પર શાંતિપુરા-સનાથલ સર્કલ રોડ પર ગઇકાલે સવારે બાવળની ઝાડીઓમાંથી અર્ધબળેલી હાલતમાં ૨૦ વર્ષના આશરાની એક યુવતીની લાશ મળી આવી હતી, પોલીસ તપાસમાં યુવતીના પગમાં ઝાંઝરી પહેરેલી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ આરંભી હતી. પીએમ રિપોર્ટમાં પણ મહત્વની વિગતો સામે આવી હતી કે, યુવતીનું મોત માથામાં બોથડ પદાર્થથી ગંભીર ઇજાઓ થઇ હોવાના કારણે થયું હતું, ત્યારબાદ તેનું ગળુ દબાવવામાં આવ્યુ હતું. પોલીસ તપાસમાં યુવતીનું ગળુ દબાવી હત્યા કર્યા બાદ તેની લાશને સળગાવી દેવાનો પ્રયાસ કરાયો હોવાની આ ચોંકાવનારી હકીકત સામે આવતાં પોલીસે હત્યારાને પકડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે મરનાર યુવતીના ફોટા પણ શહેરના તમામ પોલીસમથકોમાં મોકલી આપ્યા છે કે જેથી તેના વિશે કોઇ જાણકારી કે ખૂટતી કડીની માહિતી મેળવી શકાય. પોલીસે સમગ્ર મામલામાં અજાણ્યા હત્યારા વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે યુવતીની લાશ અહીં કયા સંજોગોમાં આવી, તેની હત્યા કયાં કરાઇ, હત્યા કર્યા બાદ તેની લાશ અહીં લવાઇ કે, અહીં લાવ્યા બાદ તેની હત્યા કરાઇ તે સહિતના મુદ્દાઓ પર પણ ઝીણવટભરી તપાસ આરંભી છે. પોલીસે ટૂંકમાં જ ગુનાનો ભેદ ઉકેલી નાંખવાની શકયતા વ્યકત કરી હતી.