(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૨
ખાંભા તાલુકાના જામકા ગામે યુવતીને ભગાડી લઇ જવા બાબતે બે પરિવાર સામસામી તિક્ષ્ણ હથિયારો સાથે એકબીજા ઉપર તૂટી પડી ધિંગાણું કરતા બંને પરિવારના મળી ૪ શખ્શોને ઇજા પહોંચી હતી. મળતી વિગતો અનુસાર ખાંભા તાલુકાના જામકા ગામે રહેતો સામતભાઇ મશરીભાઇ સોલંકી (ઉ.વ.૩૫)ના કાકાનો દીકરો તે જ ગામમાં રહેતા હમીરભાઇ પીઠાભાઇની બહેનને ભગાડી લઇ ગયો હોઈ જે બાબતનું મન-દુઃખ રાખી હમીરભાઇ પીઠાભાઇ, દુલાભાઇ રામભાઇ, નનાભાઇ રામભાઇ, મંગાભાઇ પીઠાભાઇ રહે.તમામ જામકા, તા.ખાંભા વાળાઓએ એક સંપ કરી કુહાડી, ધારિયા અને છરી જેવા હથિયાર સાથે આવી ભગવાન આતુભાઇ સોલંકી તેમજ કરશનભાઇ આતુભાઇ સોલંકી અને કાળુભાઇ ટપુભાઈ તેમજ સામતભાઇ મશરીભાઇ ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે જ્યારે સામા પક્ષના દુલાભાઇ રામભાઇ જોલાપરા (ઉ.વ.૨૫)એ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના કાકાની દીકરી સાથે કાળા ટપુ સોલંકીનો દીકરો જતો રહ્યો હોઈ જે બાબતનું મન-દુઃખ રાખી કાળાભાઇ ટપુભાઇ સોલંકી, મનુભાઇ કાળાભાઇ સોલંકી, ભગાભાઇ આતુભાઇ, આતુભાઇ ટપુભાઇ, સામતભાઇ, રવજીભાઇ નનાભાઇએ તિક્ષ્ણ હથિયાર ધારણ કરી ગાળો આપી કુહાડીનો એક ઘા કરી ઇજા પહોંેચાડી પાછળના ભાગે બે મુંઢ ઘા કરી ઇજા પહોચાડી હોવાની ફરિયાદ ખાંભા પોલીસમાં નોંધાવતા ખાંભા પોલીસે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ પીએસઆઇ ડી.કે. વાઘેલા ચલાવી રહ્યા છે.