મુંબઇ, તા.૯

આઇપીએલ સહિત સમગ્ર ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ચૂકેલા ઑલરાઉન્ડર યુવરાજ સિંહને ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ લીગ (બીબીએલ)માં રમવાની ઇચ્છા થઈ છે અને તેને એ ટી-ટ્‌વેન્ટી સ્પર્ધાની ટીમ શોધવામાં ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ મદદ કરી રહ્યું છે, એમ એક મીડિયા રિપોર્ટમાં જણાવાયું હતું.

ભારતનો કોઈ પણ ક્રિકેટર બિગ બૅશમાં રમ્યો નથી. ભારતીય ક્રિકેટ બોર્ડ કોઈ પણ સક્રિય ખેલાડીને વિદેશી લીગમાં રમવાની છૂટ ક્યારેય નથી આપતું. જોકે, ૩૮ વર્ષીય યુવરાજ વિશે ઑસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસો.ના પ્રમુખ અને આઇપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ વતી રમતા શેન વૉટ્‌સને કહ્યું છે કે ‘બીબીએલમાં યુવરાજનો સમાવેશ ઉત્તમ ઘટના બની રહેશે. તેના જેવો ખેલાડી આ સ્પર્ધામાં રમશે એનાથી સ્પર્ધાની શોભા વધી જશે.’

દરમિયાન, એક અહેવાલ મુજબ ઇંગ્લૅન્ડના ખેલાડીઓ જૉની બેરસ્ટૉવ, જેસન રૉય અને ડેવિડ મલાન બિગ બૅશ લીગમાં રમવા માટેનો સોદો કરવાની તૈયારીમાં છે.