ઉના, તા.ર૧
ઉના તાલુકાના તડ ગામે રહેતો અને માછીમારી કરતો યુવાન વણાંકબારાથી પોતાના ગામ જતો હતો. ત્યારે બાઇક સ્લીપ થતા તેને ગંભીર ઇજા પહોચી હતી. જેને લઇ પ્રથમ દિવ અને બાદમાં ઉના ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો. ત્યા તેનું મૃત્યુ નિપજતા પરિવાર દ્વારા તેની અંતીમક્રિયા કરવામાં આવે તે પહેલાજ દિવ પોલીસ સ્મશાને પહોંચી ગઇ હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમમાં ખસેડ્યો હતો અને બાદમાં ફરી પરિવારને સોંપ્યો હતો.
ઉના તાલુકાના તડ ગામના માછીમાર યુવાન સાગર પાંચાભાઇ બારિયા ઉ.વ.૨૫ દિવ વણાંકબારાની બોટમાં માછીમારીમાં બંધાયેલ હોય યુવાન પાંચ દિવસ પહેલા બોટમાં માછીમારી કરવા ગયો હતો. ત્યારે બોટમાં ગેર ખરાબ થતાં પરત કાંઠે આવી વણાંકબારાથી પોતાના ઘરે તડ ગામે આવવા બાઇક પર નિકળ્યો હતો. ત્યારે વણાંકબારા-દગાચી રોડ પર અચાનક બાઇક સ્લીપ થઇ જતાં આ યુવાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા દીવ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલ અને વધુ સારવાર માટે ઉના ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજેલ હતું. યુવાનના મોત બાદ તેમના પરિવારજનોએ પીએમ કર્યા વગર ઘરે લઈ ગયા હતા. બાદ તેની તા.૧૯ નવે.ના રોજ સાંજે સાડા છ વાગ્યાની આસપાસ અંતિમયાત્રા નિકળી હતી. ત્યારે આ અંગેની દીવ પોલીસને જાણ થતાં તેઓએ અંતિમ સંસ્કાર અટકાવ્યા હતા. અને નનામીને પાછી વાળી મૃતક યુવાનનું પીએમ કરાવ્યુ હતું અને બાદમાં ફરી પરીવારને મૃતદેહ સોંપ્યો હતો. જો કે, પોલીસ દ્વારા અંતિમયાત્રા પાછી વાળી હોવાની પ્રથમ ઘટના બની હોવાનું સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી.
મૃતદેહ સ્મશાને પહોંચી ગયા પછી ચિતા પર ચઢવાને બદલે તેને સ્ટ્રેચરમાં લઇ જવાયો હોય જો કે, પરિવાર દ્વારા દિવ પોલીસને પીએમ ન કરાવાની આજીજી કરવા છતાં પણ પોલીસ દ્વારા કાયદો સમજાવી યુવાનના મૃતદેહને પીએમ માટે દિવ લઇ ગઇ હતી.