(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.ર
ભરૂચ તાલુકા પંચાયત કચેરી ખાતે ગતરોજ પોલીસ કોન્સ્ટેબલ સહિત એક ઈસમે યુવાન ઉપર અરજીનો ખોટો વહેમ રાખી તેને જાહેરમાં મારમારતાં લોકો સ્તબ્ધ થઈ જવા પામ્યા હતા. પોલીસદાદાએ જાહેરમાં યુવાનને ડ્રગ્સના કેસમાં ફીટ કરાવી દેવાની તેમજ મારી નાંખવાની ધમકીઓ આપતાં લોકો ચોંકી ઊઠ્યા હતા.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચ તાલુકા પંચાયત કચેરી ખાતે સુહેલ મહંમદ કાઉજી (રહે. નબીપુર)નાઓ ગતરોજ આવકના દાખલા માટે ગયા અને તે વેળા ભરૂચ સી-ડિવિઝનમાં ફરજ બજાવતા અબ્દુલ માજીદ દિવાન (રહે. હિંગલ્લા તા.જિ.ભરૂચ) તથા સઈદબાપુનાઓએ સુહેલને રસ્તામાં આંતરી અબ્દુલ મજીદનાઓએ તું કેમ આંગણવાડી અંગે અરજી કરે છે તેમ કહી ઉશ્કેરાઈ જઈ સુહેલને જાહેરમાં ગદડાપાટુનો માર મારી પોલીસ કોન્સ્ટેબલ અબ્દુલ મજીદનાઓએ તને ડ્રગ્સના ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની તેમજ મારી નાંખવાની ધમકી આપી સુહેલને મૂઢમાર માર્યો હતો. ઈજાગ્રસ્ત સુહેલને મોડી સાંજે સારવાર અર્થે ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ અંગે ભરૂચ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે સુહેલ કાઉજીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
બીજી તરફ પોલીસ કોન્સ્ટેબલ અબ્દુલ મજીદ દિવાને યુવાનને મારમાર્યાની ઘટનાબાદ હિંગલ્લા ગામે વાયુવેગે વાત પ્રસરી જતાં તેમજ ગ્રામજનો પોલીસ કોન્સ્ટેબલ અબ્દુલ મજીદ તેમજ તેમની પુત્રી સરપંચ હાજરાબીબી દિવાનથી ત્રસ્ત હોય હિંગલ્લા ગામે ધિંગાણુ સર્જાતા આ અંગે હાજરાબીબી દિવાને નબીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ૯ ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.