(સંવાદદાતા દ્વારા) દાહોદ, તા.ર૮
દાહોદ શહેરમાં કસ્બા કલાલઝાપા વિસ્તારમાં રહેતા ઈકરામ ઉસ્માનભાઈ અરબ (ઉ.વ.૩૪) દ્વારા આજરોજ દાહોદ શહેર પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પોતાનો ૪૦ વર્ષીય ભાઈ મોહમંદઅમન ઉસ્માનભાઈ અરબે ગત તા.૨૭મી મેના રોજ વહેલી સવારના ૪ઃ૩૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન પોતાના ઘરે દોરડું બાંધી ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પરિવારજનો દ્વારા સગાસંબંધીઓની હાજરીમાં દાહોદના છાપ તળાવ પાસે આવેલ કબ્રસ્તાનમાં દફનવિધિ પણ કરી દેવામાં આવી હતી. દફનવિધિ કર્યા બાદ તમામ ઘરે આવતા મૃતકના પુત્રએ પરિવારજનોને જણાવ્યું હતુ કે, મારા પિતાના મોબાઈલ ફોન પર કોઈકનો ફોન આવ્યો હતો અને ફોન પર હપ્તાની ઉઘરાણી વિશે વાતચીત ચાલતી હતી અને ઉગ્ર બોલાચાલી પણ ચાલી હતી. આ બાદ મૃતકના ભાઈ મોહમંદઈકરામ દ્વારા તેના ભાઈનો મોબાઈલ ફોન ચેક કરતાં તેમાં રહેલ કોલ રેકોર્ડિંગ પણ ચેક કરી હતી જેમાં જાવેદ મુતલીબ કાજી (રહે.દાહોદ, કસ્બા, જુનાવણકરવાસ) નો પણ ફોન રેકોર્ડ હોઈ તે સાંભળતા જાવેદભાઈ દ્વારા ફોન પર બેફામ ગાળો બોલતા હતા અને મૃતકને કહેતા હતા કે, બજાજ ફાઈનાન્સમાંથી મોબાઈલ લીધેલ જેના હપ્તાના પૈસા આપી દે, તેમ કહેતા મૃતકે એમ પણ જણાવ્યું હતું કે, હમણા પૈસા નથી અને હું બેંકમાં હપ્તા કપાઉ છુ, તેમ કહેતા જાવેદભાઈએ કહેલ કે, તારા હપ્તાના પૈસા જમા થયેલ નથી, તુ પૈસા આપી દે, તેમ કહી ગાળો બોલી મારી નાખવાની ધમકી જાવેદભાઈએ મૃતકને આપી હતી. આ રેકોર્ડિંગ સાંભળ્યા બાદ પરિવારજનોમાં સ્તબ્ધતાનો માહોલ છવાઈ જવા પામ્યો હતો અને આજરોજ પોલીસનો સંપર્ક સાધી દફન કરાયેલ મોહમંદઅમનના મૃતદેહને પોલીસની હાજરીમાં બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાનમાં મોકલી આપ્યો હતો.