(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૮
આણંદ શહેરમાં ગ્રીડ ચોકડી પાસે આજે બપોરે યુથ કોંગ્રેસ દ્વારા રેલી કાઢી સુત્રોચ્ચાર કરી થાળીઓ વગાડીને માર્ગ પર ચક્કાજામ કરતા પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી અને તેઓને કાર્યવાહી બાદ મુક્ત કરવામાં આવ્યા હતા.
મળતી વિગતો અનુસાર જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આજે ગુજરાતનાં બેરોજગાર યુવાનોનો અવાજ બનીને કોંગ્રેસ સમીતી ખાતેથી થાળીઓ વગાડીને ગ્રીડ ચોકડી સુધી થાળીઓ વગાડીને યુવાનોને રોજગારી આપોનાં સુત્રોચ્ચાર સાથે રેલી કાઢી ગ્રીડ ચોકડી પાસે રોડ બેસી જઈ થાળીઓ વગાડીને વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દ્વારા યુથ કોંગ્રેસનાં અગ્રણીઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
જિલ્લા યુથ કોંગ્રેસનાં પ્રમુખ સાવજસિંહ ગોહીલ, પ્રદેશ યુથ કોંગ્રેસનાં મહામંત્રી અલ્પેશ પુરોહીત,એનએસયુઆઈનાં નેશનલ કો.ઓર્ડીનેટર ચેતના રોય, એનએસયુઆઈનાં શીતલ મિસ્ત્રી, યુથ કોંગ્રેસ સોસ્યલ મિડીયાનાં જિલ્લા કન્વીનર વિરેન્દ્રસિંહ ચાવડા, મહામંત્રી નિતીનસિંહ રાજપુત, હર્ષિલ દવે સહિત કાર્યકરોએ કોંગ્રેસ સમિતીની પાછળનાં ગેટથી રેલી સ્વરુપે ગ્રીડ ચોકડી પાસે આવી થાળીઓ વગાડીને રસ્તા પર બેસી જઈને ચક્કાજામ કર્યું હતું.
આ અંગે યુથ કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સાવજસિંહ ગોહીલએ જણાવ્યું હતું કે આગામી સમયમાં યુથ કોંગ્રેસ દ્વારા જલદ આંદોલન કરવામાં આવશે સાથે બેરોજગાર યુવાનોને જોડે રાખી જલદ આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે કરવામાં આવશે.
પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા કાર્યકરોની અટકાયત કરી તેઓને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ કાર્યવાહી કરી તેઓને મૂકત કરાયા હતા.