(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૨
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ આજે વસંતપંચમીના પવિત્ર દિવસે જ યોજાયેલા એમ.એસ. યુનિવર્સિટીના ૬૬માં પદવીદાન સમારોહનો સુખદ સંયોગ જણાવ્યું હતું કે, હવે અહીંથી બહાર નીકળી વ્યવહારિક અને જીવનની પાઠશાળાના પડકારો સામે પોતાની પ્રતિભાને ઉજાગર કરી સમાજ-દેશના વિકાસ સાથે તાલ-મેલ કરવાનો સમય આવ્યો છે. યુવાનો ચિત્ત, એકાગ્રસ્તા, નિષ્ઠા અને ઇમાનદારી સાથે ચાલશો, તો કોઇ પણ પડકારો પાર કરી શકશો તેમ જણાવ્યું હતું. રાષ્ટ્રપતિના હસ્તે એકમાત્ર મુસ્લીમ વિદ્યાર્થીની કોમર્સમાં પાંચ ગોલ્ડ મેડલ મેળવનાર મુર્સરત મહેબૂબઅલી સુરતીને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતાં.
પદ્‌વીદાન સમારંભમાં ૧૫૯ વિદ્યાર્થીઓને ૨૬૭ સુવર્ણપદક સાથે ૧૪ વિવિધ ફેકલ્ટીના ૧૧ હજાર જેટલા વિદ્યાર્થીઓના પદવીદાન એનાયત કરવાના સમારોહમાં રાષ્ટ્રપતિએ પોતાના દિક્ષાંત પ્રવચનમાં મેડલ-પદવી મેળવનારી દિકરીઓની સંખ્યા વિશેષ જોતાં માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશ માટે ગૌરવ લેવા જેવી બાબત હોવાનું જણાવ્યું હતું.
વડોદરા સંસ્કારી નગરી, એક જમાનામાં સાંસ્કૃતિક રાજધાની તરીકેની જાણીતી હતી. જેનો શ્રેય મહારાજ સયાજીરાવ ગાયકવાડને આપતાં રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, મહારાજા સયાજીરાવે બેઝીક એજ્યુકેશન ને ગણાવ્યું હતું. રાજમાતા શુભાંગીનીદેવી તેમની રાહે આગળ ચાલી રહ્યાં છે. બાબાસાહેબના વ્યકિતત્વને ઉજાગર કરવામાં પણ તેઓ વ્યકિત વિશેષ રહ્યા છે. સંવિધાનના આદેશ મુલ્યોમાં પણ સયાજીરાવના વિચારોની ઝલક જોવા મળે છે. આ વેળાએ તેમણે ગઇકાલે જી.એસ.પી. કંપનીમાં લાગેલી આગમાં ચાર વ્યકિતઓના નિધન અંગે સંવેદના વ્યકત કરી હતી.
રાષ્ટ્રપતિએ એમ.એસ. યુનિવર્સીટીના કુલાધિપતિ શુભાંગીનીદેવી ગાયકવાડના નિમંત્રણને માન આપીને વડોદરા પધાર્યા છે તેમ જણાવી તેમણે દિક્ષાંત સમારોહમાં ઉપસ્થિત સૌને રાષ્ટ્રપતિ ભવન આવવા અને જોવાનું નિમંત્રણ આપ્યું હતું.
આ અવસરે રાજયપાલ, ઓ.પી. કોહલીએ જણાવ્યું હતું કે, ગુજરાતની વિશ્વ પ્રસિધ્ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી વિશ્વ વિખ્યાતની નામના ધરાવે છે ત્યારે આ યુનિવર્સીટીએ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગ સાથે તાલ મિલાવી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ઉચ્ચતમ શિક્ષણની સાથોસાથ લલિતકલા અને ફાઇન આર્ટસ ક્ષેત્રે ગૌરવ અપાવ્યું છે.
દિક્ષિતોને અભિનંદન સાથે આર્શિવાદ આપતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, શિક્ષા અને દિક્ષા મેળવીને યુવાનો સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપે સાથે ગરીબો, પીડિતો, શોષિતોના કલ્યાણ માટે પોતે મેળવેલી વિદ્યાને ઉપયોગમાં લાવે. યુવાનો દેશની આશા છે. પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પોતાની ફેકલ્ટીમાં વડોદરા ગુજરાત સાહિત દેશનું નામ રોશન કરવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
આ અવસરે પ્રારંભમાં કુલાધિપતી શુભાંગીનીદેવી ગાયકવાડે મહેમાનોને આવકારી પ્રાસંગિક ઉદ્દબોધન કરી દિક્ષાંત સમારોહને ખુલ્લો મુક્યો હતો. ઉપકુલપતિ પરિમલ વ્યાસે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. આ વેળાએ પ્રિન્સીપાલ સેક્રેટરી અંજુ શર્મા ઉપસ્થિત રહ્યાં હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે એમ.કોમમાં પાંચ ગોલ્ડ મેડલ જીતી ચાન્સેલર ગોલ્ડ મેડલની હકદાર મુસ્લીમ વિદ્યાર્થીની મુર્સરત મહેબુબઅલી સુરતીને ગોલ્ડમેડલ એનાયત કરી સમ્માનિત કરવામાં આવી હતી. સલાટવાડા સરકારી સ્કુલમાં અભ્યાસ કરી કોલેજમાં પ્રવેશ મેળવનાર જુડવા બહેનો જ્યોતિ તિવારી અને કિર્તી તિવારીએ એમ.એ. માં સંસ્કુલ વિષયમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યોતિએ ત્રણ અને કિર્તીને એક ગોલ્ડ મેડલ મળ્યો હતો. જ્યારે અન્ય ગોલ્ડ મેડલીસ્ટ વિદ્યાર્થીઓને સાંજે આયોજીત કાર્યક્રમમાં ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.