ભુજ, તા.૩૧
કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક ર થલસેના ભુજનો વાર્ષિકોત્સવ ઓપન એર થિયેટર, આર્મી એરિયા ભુજ ખાતે ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો. બ્રિગેડિયર બ્રુસ ફર્નાન્ડિસે મુખ્ય અતિથી તરીકે અને શ્રીમતી મર્લિન થેરેસા ફર્નાન્ડિસે અતિથી વિશેષ તરીકે કાર્યક્રમને સુશોભિત કર્યો. અન્ય અતિથીઓમાં આર્મીના ઓફિસર્સ, વિદ્યાલય વ્યવસ્થાપન સમિતિના સભ્યો, વાલીઓ અને વિદ્યાલયના કર્મચારીઓએ પણ હાજરી આપી.
વિદ્યાલયના પ્રાચાર્ય રાજેશ ત્રિવેદીએ અતિથીઓનું સ્વાગત કર્યું અને વાર્ષિક અહેવાલમાં વિદ્યાર્થીઓની અને શિક્ષકોની ઉપલબ્ધિઓ વિશે જણાવ્યું.
તેમણે શૈક્ષણિક અને અભ્યાસપુરક ક્ષેત્રમાં વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ઠ પ્રદર્શન માટે ખુશી વ્યક્ત કરી. શાળાના ઉત્સાહી વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ અને વિવિધતામાં એકતા દર્શાવતા વિવિધ રંગારંગ કાર્યક્રમ પ્રસ્તુત કર્યા. વિદ્યાલયના જોશીલા નૃત્યકારોએ વિવિધ પ્રકારના ભારતીય લોકનૃત્યો રજૂ કર્યા. રાજસ્થાની અને ગોવા નૃત્ય સાથે કાર્યક્રમ ઉત્સાહની પરાકાષ્ઠાએ પહોંચ્યો.
મુખ્ય અતિથી અને અતિથી વિશેષના કરકમળોથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પુરસ્કાર વિતરિત કરીને સન્માન કરવામાં આવ્યું.
મુખ્ય મહેમાન બ્રિગેડિયર બ્રુસ ફર્નાન્ડિસે એમના વક્તવ્યમાં કહ્યું કે, યુવા પેઢીમાં મૂલ્યો, નૈતિક્તા અને સમુદાય પ્રત્યેની જવાબદારીનું સિંચન કરવું અતિ મહત્ત્વપૂર્ણ છે. શિક્ષણ સાથે એક ઉમદા માનવ બનવું અતિ આવશ્યક છે. માતા-પિતા અને શિક્ષકોએ એમના બાળકોમાં આવા મુલ્યોને કેળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવી જોઈએ. મહેશ આર્ય અને કિરીટ ચૌહાણ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું. બી.એલ. કશ્યપ (અનુસ્નાતક શિક્ષક સંગણક વિજ્ઞાન) દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપનાર દરેક વ્યક્તિનો આભાર માનવામાં આવ્યો.