નવી દિલ્હી,તા.૧૬
કોરોનાવાયરસ હવે કતાર ફૂટબોલ વર્લ્ડ કપ સુધી પહોંચી ગયો છે. ૨૦૨૨માં થનાર આ ટૂર્નામેન્ટની તૈયારીઓમાં લાગેલા ૫ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ બધા કર્મચારીઓ ત્રણ અલગ-અલગ સ્ટેડિયમ સાથે જોડાયેલા છે. વર્લ્ડ કપથી સંબંધિત આ કોરોનાનો પ્રથમ કેસ છે. બીજીતરફ, ઇટલીના ફૂટબોલ ક્લબ યુવેન્ટ્‌સના બે સ્ટાર ખેલાડી ડેનીલે રૂગાની અને બ્લેજ મતુડીએ કોરોનાને માત આપી છે. અત્યારે બંને સ્ટાર સેલ્ફ આઇસોલેશનમાં છે. કોરોનાને કારણે જુલાઈ-ઓગસ્ટ સુધી વિશ્વની તમામ ટૂર્નામેન્ટ્‌સ રદ્દ અથવા સ્થગિત કરવામાં આવી છે.
રુગાની ઇટલીની ફૂટબોલ લીગ સીરી-છનો પ્રથમ ખેલાડી હતો,
જે કોરોના સંક્રમિત થયો હતો. તેના પછી ૧૫ માર્ચે જ લીગના ૧૧ ખેલાડીઓનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ લીગમાં ૨૦ ટીમો રમે છે. તે બાદ ડોકટરે નવી હેલ્થ એડવાઇઝરી જારી કરીને ખેલાડીઓને પ્રેક્ટિસ ન કરવા અને ઘરે રહેવાની સલાહ આપી હતી. સ્પેનની લીગ વૈલેંસિયા માટે રમતા ઇજિકવિલ ગૈરે પણ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. આ બધા ખેલાડીઓને કવોરન્ટીન કરવામાં આવ્યા છે. યુવેન્ટ્‌સનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો પણ પોતાના ઘરે કવોરન્ટીન છે. જોકે તે વાયરસથી સંક્રમિત નથી.