કોરોનાના નવા સ્ટ્રેનને લઈ યુરોપની ફ્લાઈટો બંધ કરવા સહિતના વિવિધ પગલાં લેતી રાજ્ય સરકાર
પોઝિટિવ કેસની વધુ તપાસ અર્થે પુના અને ગાંધીનગરમાં સેમ્પલ મોકલાયા
(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૭
કોરોના મહામારી વચ્ચે યુ.કે.માં કોરોનાનું નવું સ્ટ્રેન બહાર આવતા અને કોરોનાના દર્દીઓમાં અન્ય બીમારીઓ પણ દેખાતા લોકોમાં ચિંતા વધવા પામી છે ત્યારે ગુજરાત સરકારે આ સંદર્ભે વિવિધ પગલાં લેવાનું શરૂ કર્યું છે જેમાં યુ.કે.-યુરોપના દેશોમાંથી આવેલા મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા ૧૧ વ્યકિતઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને પગલે આ વ્યકિતઓના સેમ્પલ પુના ખાતે વધુ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.
યુ.કે.-યુરોપમાંથી ગુજરાતમાં આવેલા ૧૭ર૦ મુસાફરો વ્યકિતઓના કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવતા તેમાંથી ૧૧ વ્યકિતઓના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. કોરોના વાયરસના નવા પ્રકાર-સ્ટ્રેનના લક્ષણોની તપાસણી માટે આ સેમ્પલની પુના-ગાંધીનગરમાં ચકાસણી જીનોમ સ્ટડી કરાશે. આ અંગે ૮થી ૧૦ દિવસમાં પરિણામ જાણી શકાશે. કોરોના વાયરસના યુ.કે. અને યુરોપના દેશોમાં જોવા મળેલા નવા પ્રકારને પગલે સતર્કતારૂપે ભારત સરકારે આ દેશોમાંથી આવતી તમામ હવાઈ ઉડાન ર૩ ડિસેમ્બરથી રદ કરી છે. ભારત સરકારે એવા દિશા નિર્દેશો પણ આપ્યા છે કે આ દેશોમાંથી રપ નવેમ્બરથી ૮ ડિસેમ્બર દરમ્યાન આવેલા તમામ મુસાફરોએ સેલ્ફ મોનિટરીંગમાં રહેવું પડશે. એટલું જ નહીં ૯મી ડિસેમ્બરથી ર૩ ડિસેમ્બરના સમય દરમ્યાન ભારત આવેલા તમામ મુસાફરોને આઈસોલેશનમાં રહેવું પડશે તથા તે બધાના જ આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત પણે કરાવવાના રહેશે. મુખ્યમંત્રીના પુત્રી રાધિકા તથા જમાઈ નિમિત અને પૌત્ર શૌર્ય પણ આ સમય દરમ્યાન યુકેથી ગુજરાત આવ્યા હોઈ તેમણે ગાઈડલાઈન્સ મુજબ પોતાનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો છે જેમાં ત્રણેયના રીપોર્ટ નેગેટિવ આવ્યા છે. તારીખ રપ નવેમ્બરથી ૮ ડિસેમ્બર દરમ્યાન યુકે-યુરોપથી આવેલા આવા પ૭ર મુસાફરો પૈકી એક વ્યકિતનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત ૯થી ર૩ ડિસેમ્બર દરમ્યાન ૧૧૪૮ વ્યકિતઓ આ દેશોથી ગુજરાતમાં આવ્યા છે તેમના આરટીપીસીઆર ટેસ્ટમાં અમદાવાદ-૪, વડોદરા-ર, આણંદ-ર, ભરૂચ-ર અને વલસાડ-૧ વ્યકિતઓના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. આ વ્યકિતઓને વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે. તાજેતરમાં જોવા મળેલા કોરોના વાયરસના નવા પ્રકારના લક્ષણો-ચિન્હો આ વ્યકિતઓમાં છે કે કેમ તેની તપાસ માટે તેમના સેમ્પલ પુનાની નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજી અને ગાંધીનગરની ગુજરાત બાયલોજીકલ રીસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. સામાન્યત આ સેમ્પલની તપાસ માટે ૮થી ૧૦ દિવસનો સમયગાળો જતો હોય છે એટલે આગામી સપ્તાહમાં તેમના અંતિમ ફાઈનલ રિપોર્ટ આવ્યા બાદ સારવારની આગળ વ્યવસ્થાઓ તકેદારી રાજય સરકાર લેશે.
Recent Comments