વડોદરા, તા.૨૫
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આજેે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. તેઓએ બપોરે ૧૨ કલાકે પૂજા-અર્ચના કર્યા બાદ બપોરે ૧૨ઃ૩૦ કલાકે સંજયનગરના વિસ્થાપિતોને મળીને તેમની સાથે ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ હાર્દિક પટેલ કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે યોજના ઘડી રહ્યાં છે. જ્યારે વડોદરામાં હાલ સંજયનગરના રહીશોને ટેકો આપી શહેર કોંગ્રેસ ભાજપને ઘેરવાની કોશિશ કરી રહી છે, ત્યારે હાર્દિક પટેલની સંજયનગરના રહીશો સાથેની મુલાકાત શહેર ભાજપ માટે કોઈ મુશ્કેલીઓ પેદા કરે છે કે, કેમ તે ચર્ચાનો વિષય છે.
ગુજરાત સરકાર તેના ૩૦ વર્ષના શાસનમાં વિકાસ કરવામાં ધરાર નિષ્ફળ ગયું છે. એક પણ સારી સ્કૂલ-કોલેજ કે હોસ્પિટલ બનાવી નથી. ભાજપ ઉપર કટાક્ષ કરતા જણાવ્યું કે, યુપીના ડોન વિકાસ દુબેનું એન્કાઉન્ટર કરવાના બદલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી દીધો હોત તો, તેનું એન્કાઉન્ટર કરવાની જરૂર પડી ન હોત. તે અમદાવાદની હોસ્પિટલમાં રહીને જ મરી ગયો હોત. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ રહેલા કોંગ્રેસના ધારાસભ્યો અંગે જણાવ્યું કે, તેઓ પોતાના વ્યક્તિગત સ્વાર્થ ખાતર ભાજપામાં જોડાઈ રહ્યાં છે, પરંતુ, તેનાથી કોંગ્રેસને કોઈ ફરક પડશે નહીં. આગામી પેટાચૂંટણીથી લઈ તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસ વિજય હાંસલ કરશે.
વડોદરાની મુલાકાતે આવેલા હાર્દિક પટેલે સંજયનગરના વિસ્થાપિતોની મુલાકાત લીધી હતી અને વિસ્થાપિતોને મળીને સાંત્વના આપી હતી અને સાથે જણાવ્યું હતું કે, કોંગ્રેસ તમારી સાથે હતી અને આવનરા દિવસોમાં સાથે રહેશે. કોંગ્રેસ તમારો હક્ક અપાવીને રહેશે તેવી ખાતરી પણ આપી હતી. સંજયનગરના વિસ્થાપિતોની મુલાકાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી.