(એજન્સી) નવી દિલ્હી,તા.ર૩
મુસલમાનો માટે તે રિઝવાન હતો હિન્દુઓ માટે ચમન પરંતુ ડોકટરો માટે તે માત્ર ર૪ વર્ષીય માનસિક રીતે અસ્વસ્થ શખ્સ હતો. બુધવારે (ર૧ માર્ચ) સાંજે યુ.પી.ના મુરાદાબાદમાં કાઠગર વિસ્તારમાં અનોખા અંતિમ સંસ્કાર જોવા મળ્યા અહિંયા બેમિસાલ સ્મશાન યાત્રા કાઢવામાં આવી, જેમાં ‘રામ નામ સત્ય હૈ’ની સાથે ‘અલ્લાહુ અકબર’ના સૂત્રો પોકારવામાં આવ્યા. પહેલા ઠાઠડી ઉઠાવવામાં આવી, ત્યારબાદ મૃતક રિઝવાન ઉર્ફે ચમનને દફનાવવામાં આવ્યો. સ્મશાન યાત્રા કાઢવાના સમયે બંને સમુદાયના લોકો હાજર હતા. પોલીસ પણ આ દરમ્યાન સ્થળ પર હાજર રહી હતી, જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના ઘટે. સ્મશાન યાત્રા કાઢવામાં આવી રહી હતી, તે સમયે સેંકડો લોકો પોતાના ઘરોમાંથી બહાર આવી ગયા હતા. લોકો ‘રામ નામ સત્ય હૈ’ની સાથે ‘અલ્લાહુ અકબર’ના સૂત્રો પોકારતા સ્મશાનમાં પહોંચ્યા. મુરાદાબાદના ડી.એસ.પી. એસ.કે. ગુપ્તાએ જણાવ્યું કે, ‘દાસ સરાયમાં રહેતા રામ-કિશન સૈનિના પરિવારે દાવો કર્યો કે રિઝવાન ઉર્ફે ચમન તેમનો પુત્ર હતો. જે ર૦૦૯થી ગુમ થયેલ હતો. ર૦૧૪માં તે તેમને દાસ સરાયથી લગભગ ૩ કિ.મી.ના અંતરે મળ્યો હતો. આ દરમ્યાન અસાલતપુરામાં રહેતા સુભાન અલીના પરિવારે પણ કહ્યું કે તેઓ પણ ગત પ વર્ષોથી માનસિક રીતે અસ્વસ્થ આ યુવકની સારસંભાળ રાખતા હતા. ત્યારબાદ તેમણે તેનું નામ રિઝવાન રાખ્યું હતું.